ગુજરાતના મહેસાણાની તો વાત જ અનોખીઃ અહીં ગણપતિ દાદાને અપાય છે ગાર્ડ ઓફ ઑનર…

મહેસાણાઃ ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર માનવામા આવે છે અને ઘરે કે સોસાયટીમાં ભગવાન દસ દિવસ માટે મહેમાન તરીકે લાવવાની પરંપરા મહારાષ્ટ્રમાં જ હતી, પરંતુ છેલ્લા દસેક વર્ષથી દેશના ઘણા રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે, પણ મહેસાણાના લોકો અલગ રીતે જ બાપ્પાની આરાધના કરે છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક ગણપતિ મંદિર છે, જે તેની અનોખી પરંપરા માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે.
અહીં પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે, જ્યાં આ પરંપરા હજુ પણ અનુસરવામાં આવે છે.

એક સદી જૂનું છે મંદિર
મહેસાણાના મુખ્ય બજારમાં આવેલુ સિદ્ધિ વિનાયક ગાયકવાડ ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ જૂનું છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર ગણેશોત્સવ પર ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા અહીં ગાયકવાડ વંશના સમયથી શરૂ થઈ હતી.
ગાયકવાડ પરિવાર પોતે ગણપતિ બાપ્પાના મહાન ભક્ત હતા. તેમણે ગણપતિ બાપ્પાને આ રીતે સન્માન આપવાની પરંપરા શરૂ કરી હતી. એક સદી કરતા પણ વધારે સમયથી આ પરંપરા અનુસરવામા આવી રહી છે. અહીં છ દિવસ માટે મોટી માટીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
પહેલા દિવસે ધામધૂમથી પૂજા થાય છે અને બાદમાં મહેસાણા પોલીસ ગાર્ડ ઓફ ઑનર આપે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને સાથે સ્થાનિક લોકપ્રતિનિધિઓ પણ હાજરી આપે છે.
આજે પણ, દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર આ પરંપરા જાળવી રાખવામાં આવે છે. મહેસાણા પોલીસ દ્વારા બાપ્પાને સલામી આપવામાં આવે છે અને ગણેશોત્સવ સંપૂર્ણ વિધિ સાથે શરૂ કરવામાં આવે છે. છ દિવસ અહીં રોજ રાત્રે ભજનકિર્તન અને ભક્તિમય કાર્યક્રમો થાય છે.