મહેસાણામાં પણ ખેતીવાડી માટે ૧૦ કલાક વીજળી મળશે, ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર | મુંબઈ સમાચાર

મહેસાણામાં પણ ખેતીવાડી માટે ૧૦ કલાક વીજળી મળશે, ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર

સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પુરવઠાનો સમય ૨ કલાક વધારતા ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ થયો

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને ૮ની જગ્યાએ ૧૦ કલાક વીજળી આપવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. ૦૯ ઓગષ્ટ, ૨૦૨૫થી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારી ૧0 કલાક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેના પરિણામે ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ જેટલો થયો છે. આ ખેડૂતલક્ષી નિર્ણયથી અંદાજે ૧૨ લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે.

આપણ વાંચો: ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ, મગફળીના વાવેતરમા સામાન્ય ઘટાડો…

આવતીકાલથી મહેસાણામાં પણ ખેતીવાડીને ૧૦ કલાક વીજ પુરવઠો મળશે

વધુમાં પ્રવક્તા પ્રધાને કહ્યું કે, આગામી તા. ૧૪ ઓગષ્ટથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારીને ૧૦ કલાક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના આશરે ૪૩ હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળશે.

રાજયમાં કેટલું થયું છે વાવેતર

રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૫.૫૭ લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ ૭૪.૮૫ લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર ૨૬.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું ૨૦.૫૪ લાખ હેક્ટરમાં, કપાસનું ૨૦.૫૮ લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું ૧૨.૮૮ લાખ હેક્ટરમાં, ડાંગરનું ૮.૪૪ લાખ હેક્ટરમાં, મકાઇનું ૨.૭૨ લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું ૩.૪૮ લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર ૮.૦૨ લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ, ખરીફ ઋતુમાં હાલની સ્થિતી એ કૃષિ પાકોનું ખૂબ જ સારું વાવેતર નોંધાયેલ છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button