મહેસાણામાં ભર ચોમાસે બે દિવસ પાણીકાપ: 7 લાખથી વધુ લોકોને થશે અસર

મહેસાણાઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના સાત લાખથી વધારે લોકોએ પીવાના પાણી માટે વલખાં મારવા પડશે. મળતી વિગત પ્રમાણે, મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામો અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામ મળી આશરે 7.50 લાખ લોકોને આગામી 20 અને 21 એમ બે દિવસ પીવાનું પાણી મળશે નહીં.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ બે દિવસ શટડાઉન કરીને દેદિયાસણ મુખ્ય હેડ વર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના સાફ-સફાઈની કામગીરી કરવામાં આવશે.
આપણ વાંચો: જૂન મહિનામાં સારો વરસાદના વર્તારાને પગલે પાણીકાપ નહીં મૂકાશે: પાલિકા
મહેસાણા શહેર અને જિલ્લામાં વસતા લોકોને રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે.
જેમાં મહેસાણા શહેરના દેદિયાસણ મુખ્ય હેડવર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના દેદિયાસણ ફીલ્ટર પ્લાન્ટ મારફતે મહેસાણા શહેર, તાલુકાના 111 ગામ તથા જોટાણા તાલુકાના 23 અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામના અંદાજે 7.45 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે છે.
આપણ વાંચો: મુંબઈના આ વિસ્તારોમાં આવતા બુધવારે રહેશે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ
આ શટડાઉનને કારણે, મહેસાણા શહેરના 2,89,945 લોકો તેમજ મહેસાણા, જોટાણા અને ચાણસ્મા તાલુકાના 111 ગામો સહિત કુલ 7.47 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં. પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે દિવસ સુધી પાણી નહીં મળવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ઘણા લોકોને પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડશે. મહેસાણા મહાનગરપાલિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે દૌદવાસણ ફિલ્ટર પ્લાન્ટને પાણી ન મળવાને કારણે શહેરમાં પાણી આપી શકાશે નહીં. બોરના પાણીનું વિતરણ પણ શક્ય નથી. આથી, લોકોને આ બે દિવસ માટે પાણીનો સંગ્રહ કરી રાખવાની અપીલ કરવામાં આવી હતી.