મહેસાણા

કડીમાં બન્યો શરમજનક બનાવઃ મૃતદેહને હોસ્પિટલ લઈ જવા ‘કચરાગાડી’ બની શબવાહિની

કડી: માનવતાને શરમથી નીચાજોણું થાય તેવી ઘટના મહેસાણા જિલ્લાના કડીથી સામે આવી છે. કડી નગરપાલિકાની કામગીરીથી માનવતાને શર્મનાક થવું પડે તેવો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને લોકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો અનુસાર કડી નજીક નર્મદા કેનાલમાંથી મળી આવેલા મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવા માટે નગરપાલિકા શબવાહિનીની વ્યવસ્થા પણ ન કરી શકી અને મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવાની ફરજ પડી હતી.

લોકોમાં રોષ વ્યાપ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર કડી નજીક નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ ખાતે લાવવામાં નગરપાલિકા શબવાહિનીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં મૃતદેહને કચરાના વાહનમાં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસે પણ આપ્યું ‘સૂચક’ નિવેદન

આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આકરી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કડી નગરપાલિકામાં કેનાલ નજીક એક મૃતકનો મૃતદેહ મળ્યો હતો અને મૃત્યુ પામેલ દિવંગતની લાશને કુંડાળ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી. ઉપરોક્ત વિષયે માનવતાને શરમાવનારી ઘટના ઘટી છે.

મૃતકના મૃતદેહને નગરપાલિકા પ્રશાસન દ્વારા કચરાના ડબ્બામાં લાવવામાં આવ્યો હતો અને નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે દેશનો નાગરિક મૃત્યુ પામ્યો હોય અને કચરાના ડબ્બામાં મૃતદેહ લાવ્યા હોય એવી આ સૌપ્રથમ ઘટના બની હતી. એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય બાબતે મોટી મોટી ડીંડકો મારે છે. 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં છે તેવી ડંફાસોનો હવે કડી નગરપાલિકામાં બનેલી આ ઘટનાથી અંત આવી ગયો છે.

શું કહ્યું ચીફ ઓફિસરે?

મીડિયા અહેવાલો અનુસાર સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આવી ઘટના અનેક વાર બની છે કે જેમાં મૃતકોના મૃતદેહને કચરાના ડબ્બામાં લઈ જવામાં આવતો હોય. જોકે, આ બાબતે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી ત્યારે તેઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે હવેથી કચરાના ડબ્બામાં મૃતદેહને લાવવામાં નહીં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button