Top Newsમહેસાણા

‘કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં’: નીતિન પટેલ

કડીઃ ભાજપ હાલ વિવિધ શહેરોમાં સ્નેહમિલન સમારોહ યોજી રહ્યું છે. જે અંતર્ગત કડીમાં ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલ ફરી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ભ્રષ્ટાચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું – તેઓ કડીમાં કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા દેશે નહીં.

નીતિન પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ ને ટાંક્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.” આ કથન દ્વારા તેમણે ભ્રષ્ટાચાર પ્રત્યેની તેમની ઝીરો-ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી હતી. આ ઉપરાંત તેમણે પૂર્વ પ્રધાન બચુ ખાબડનું નામ લીધા વગર આડકતરી રીતે તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય, આ નિવેદન દ્વારા તેમણે સત્તામાં રહેલા વ્યક્તિની આસપાસના લોકોના ખોટા કામોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું હતું, અને જણાવ્યું હતું કે આવા કૃત્યો આખરે તેમના પદને પણ જોખમમાં મૂકી શકે છે.

નીતિન પટેલે આ દરમિયાન પોતાના ધારાસભ્યકાળમાં કડીમાં થયેલા વિવિધ વિકાસકામોની વિગતો પણ રજૂ કરી હતી અને કડીના વિકાસ માટેના તેમના યોગદાનને યાદ કરાવ્યું હતું. તેમણે સ્થાનિકા રાજકારણનો ઉલ્લેખ કરીને કહ્યું, ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.’

આ ઉપરાંત તેમણે કહ્યું, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક… બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે, કહીને તેમણે પોતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી. હું બોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે. તેમણે કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.

આપણ વાંચો:  ગાંધીનગરમાં ક્યા ક્યા રાજકીય પક્ષોને ત્યાં પડ્યા ઈન્કમટેક્સના દરોડા ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button