મહેસાણા

કડીમાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું; પોલીને મળી સ્યુસાઇડ નોટ

મહેસાણા: ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, અને સમયાંતરે વિવિધ કારણોસર લોકો પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. આ દરમિયાન મહેસાણાના કડીમાંથી એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જ્યાં પતિ-પત્ની અને તેમના 10 વર્ષના બાળકે નર્મદા કેનાલમાં કૂદીને જીવનનો અંત આણ્યો છે. આઘાતજનક બાબત એ છે કે મૃત્યુ પહેલા પરિવારે એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કડીના રહેવાસી ધર્મેશ પંચાલ (ઉ. વ. 38), તેમના પત્ની ઉર્મિલાબેન પંચાલ (ઉ. વ. 26) અને પુત્ર પ્રકાશ પંચાલે (ઉ. વ. 10 ) નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ પરિવાર મૂળ શંખેશ્વરનો રહેવાસી હતો. મૃતકોની કારમાંથી તેમનો મોબાઈલ ફોન અને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. જોકે, નોટમાં વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.

સ્યુસાઇડ નોટમાં શું લખ્યું?

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદનો પણ નોંધ્યા હતા અને આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરતા પહેલા પરિવારે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “બધાને મારા છેલ્લા રામ રામ, મને પણ જીવન જીવવાની ઈચ્છા હતી. પરંતુ કેટલાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવીને વ્યાજનું પણ વ્યાજ લીધું છે અને મને ધમકી આપતા હતા.

આપણ વાંચો:  પાલનપુરમાં કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલું, સ્યૂ સાઈડ નોટમાં કર્યા મોટા ખુલાસા

આગળ લખ્યું હતું કે, “મને માનસિક રીતે ખૂબ ટોર્ચરિંગ કરતા હતા. મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. હું એવા ચકડોળમાં ફસાયો કે બહાર નીકળવું મારે માટે શક્ય નથી. આજે હું મરવા જઈ રહ્યો છું, તમે આ પત્ર વાંચશો ત્યારે હું આ દુનિયા છોડી ચૂક્યો હશે. સરકારને જણાવવાનું કે આ લોકો મારી પત્ની અને બાળકને જીવવા દે. બધા ભેગા મળીને મને બહુ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું, આજે મને કોઈ રસ્તો દેખાતો નથી. મારી જિંદગી ખતમ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થાશે. સરકારને અપીલ કરું છું કે મારી સાથે થયું એ બીજા સાથે આ લોકો ન કરે એવી આશા રાખું છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button