સર્વ સમાજ એક થયો, મહેસાણામાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે નીકળી વિશાલ રેલી

મહેસાણાઃ પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે મહેસાણામાં 30 ઓગસ્ટ શનિવારના રોજ એક જન ક્રાંતિ મહારેલી નીકળી હતી. આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ પ્રેમલગ્નોમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત બનાવવાનો હતો. રેલીમાં માંગ કરવામાં આવી કે 30 વર્ષ સુધીના યુવક-યુવતીઓ જો પ્રેમલગ્ન કરે તો તેમના માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. આ ઉપરાંત, પ્રેમલગ્ન માટેની કાયદાકીય પ્રક્રિયાઓમાં ફેરફારની પણ માંગ કરવામાં આવી હતી.
રેલીમાં રજૂ થયેલી અન્ય મહત્વની માંગણીઓમાં એક સૂચન હતું કે છોકરી જે વિસ્તારની હોય, તે જ વિસ્તારની કોર્ટમાં પ્રેમલગ્ન થવા જોઈએ. આનાથી પરિવારને જાણ થવાની શક્યતા વધે અને ભાગેડુ લગ્નોને અટકાવી શકાય. આ ઉપરાંત, લગ્નના સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવાની માંગ કરવામાં આવી, જેથી તેઓ વધુ સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકે.
યુવક-યુવતીઓએ પ્રેમલગ્ન કરવા હોય તો શું કરવું પડે?
વધુમાં, એક કડક માંગ પણ રજૂ કરવામાં આવી હતી કે 30 વર્ષથી વધુ ઉંમરના યુવક-યુવતીઓએ પ્રેમલગ્ન કરવા હોય તો તેમણે પોતાના માતા-પિતાના નામે 10 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) કરાવવી ફરજિયાત હોવી જોઈએ. આ સાથે જ, આવા યુવક-યુવતીઓને તેમના માતા-પિતાની મિલકતમાંથી બેદખલ કરવાનો કાયદો લાવવાની માંગ પણ કરવામાં આવી હતી. આ રેલીમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારાની માંગ ઉપરાંત, ગુજરાતના દરેક નાગરિકને મફત શિક્ષણ આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
શહેરના અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ્ય સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે. સરકાર આ માગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ રેલીને મહેસાણા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખોએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત, વિવિધ સમાજોએ પણ આ રેલીને ટેકો જાહેર કર્યો હતો.