મહેસાણા

વિજાપુરના 92 ખેડૂતના 9 કરોડ લઈ બાપ-દીકરો વિદેશ ભાગી ગયા, આ રીતે ફૂટ્યો ભાંડો…

મહેસાણાઃ જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. 90 ખેડૂત સાથે બાપ-દીકરાએ 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી અને વિદેશ ભાગી ગયા હતા, પરંતુ આ છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મળતી વિગત પ્રમાણે, વિજાપુર તાલુકાના ટોટીદણ ગામમાં રહેતા પ્રહલાદ પટેલ અને તેના દીકરા નરેન્દ્રએ ભેગા મળી કુકરવાડા ગામમાં આવેલી માર્કેટયાર્ડમાં પેઢી ખોલી હતી અને એ પેઢીમાં તેઓ ખેડૂતો પાસેથી માલની આપ-લે કરતા હતા. આ પેઢી છેલ્લા 50 વર્ષથી ચાલતી હોવાથી અહીંયા પાક વેચાણ કે લેવા આવતા ખેડૂતો સાથે ઘર જેવો સબંધ થઈ ગયો હતો.

પેઢીનું શટર બંધ કરીને ભાગ્યા
ખેડૂતોનો વિશ્વાસ જીત્યા બાદ બાપ-દીકરાએ અલગ-અલગ ગામના 90થી વધુ ખેડૂતોને અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે એમ કહી તેમના નામે લોન મેળવી હતી. આ રૂપિયા પોતાની પાસે રાખી પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા તેમ જ જે ખેડૂત પોતાના પાક વેચાણ કરવા આવે તેઓના પણ રૂપિયા આ બાપ-દીકરા પેઢીમાં જમા રાખતા હતા અને બાદમાં બાપ-દીકરો પેઢીનું શટર બંધ કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હતા.

પોલીસે શું કહ્યું?
ખેડૂતો આરોપીના ઘરે અને પેઢી પર જતાં ત્યાં તાળા લટકતા જોવા મળ્યા હતા. બાદમાં બધાએ હિસાબ માંડતા બાપ-દીકરાએ 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસાઈ પોલીસમાં નોંધાઈ હતી. વિસનગર ડિવિઝનના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું કે, વસઈમાં 9 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ઠગાઇનો એક્ઝેટ આંકડો સામે આવશે અને કુલ કેટલા ખેડૂતો ભોગ બન્યા એ તપાસ બાદ કહી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button