મહેસાણા

મહેસાણાઃ સુદાસણા ગામના BLOનું નિધન, રાજ્યમાં ચૂંટણી સંબંધિત કર્મચારીના મોતની પાંચમી ઘટના

મહેસાણાઃ ગુજરાતમાં સહિત દેશભરમાં હાલ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક બુથ લેવલ ઓફિસર (BLO)નું મોત થયું હતું. રાજ્યમાં પાંચમાં બીએલઓનું મોત થયું હતું.

મળતી વિગત પ્રમાણે,મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત થયું હતું. SIR સંબંધિત કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ઘટના બનતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

મળતી વિગત પ્રમાણે, નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા. જેથી, તેઓ રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIR ની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુદાસણ ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની ગમગીની છવાઈ ગઈ હતી

આ પહેલા રાજ્યમાં 4 BLOનાં મોત

ગુજરાતમાં આ પહેલા ચાર બીએલઓના મોત થયા હતા. તાપીના વાલોડમાં 19 નવેમ્બરે BLO સહાયક તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જે બાદ 20 નવેમ્બરે કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

21 નવેમ્બરના રોજ ખેડાના કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. 22 નવેમ્બરે વડોદરામાં BLO સહાયક તરીકેની કામગ રી કરતાં ઉષાબેન સોલંકી અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી અચાનક ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી (એસઆઈઆર-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ને પડકારતી તમામ અરજી પર એક સાથે સુનાવણી થઈ હતી. કેરળ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચાલી રહેલી SIRની કામગીરીને પડકારવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેંચે ચૂંટણી પંચને પહેલી ડિસેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું છે. તમામ રાજ્યોએ SIR મુદ્દે ચૂંટણી પંચને 1 ડિસેમ્બર 2025 સુધીમાં જવાબ આપવો પડશે. કેરળના મામલાની સુનાવણી 2 ડિસેમ્બરે થશે, જ્યારે અન્યની સુનાવણી 9 ડિસેમ્બરના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં બીએલઓ (બુથ લેવલ ઓફિસર)ના મૃત્યુ મુદ્દે પણ 1 ડિસેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં એક BLOનું રહસ્યમય મોત, બેને ચક્કર આવતા ઢળી પડ્યા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button