ઉત્તર ગુજરાતના આ શહેરમાં બિઝનેસમેન દરબાર હોવાથી સોસાયટીમાં નો એન્ટ્રીની ફરિયાદઃ બીજી કઈ જ્ઞાતિને નો એન્ટ્રી ?

કલોલઃ ઉત્તર ગુજરાતના કલોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા એક બિઝનેસમેન દરબાર હોવાથી સોસાયટીમાં નો એન્ટ્રીની ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત બારોટ અને રબારી જ્ઞાતિને પણ નો એન્ટ્રી છે.
શું છે સમગ્ર મામલો
પંચવટી વિસ્તારમાં રહેતા ફરિયાદી ભરતસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, તેમણે ‘અતુલ્ય બંગલોઝ’માં એક મકાન ખરીદ્યું હતું. જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના હોદ્દેદારો સહિતના સભ્યોને જ્યારે તેમની જ્ઞાતિ વિશે ખબર પડી, ત્યારે તેમણે તેમનો પ્રવેશ રોકી દીધો હતો અને મકાનનું રિનોવેશનનું કામ પણ અટકાવી દીધું હતું.
ઝાલાએ દાવો કર્યો હતો કે સોસાયટીના પ્રતિનિધિઓએ તેમને કહ્યું હતું કે તેઓ દરબાર, બારોટ અને રબારી જેવા ચોક્કસ સમુદાયના લોકોને મકાન ફાળવતા નથી અથવા રહેવા દેતા નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે શરૂઆતમાં રિનોવેશનની મંજૂરી આપ્યા બાદ, સોસાયટીએ બેરિકેડ્સ લગાવી દીધા હતા, એન્ટ્રી સ્ટીકરો આપવાનું બંધ કરી દીધું હતું, તેમની પ્રોપર્ટી ટ્રાન્સફરની પ્રક્રિયા કરવાનો ઇનકાર કર્યો હતો અને અંતે તેમને પરિસરમાં પ્રવેશતા જ અટકાવી દીધા હતા.
ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જ્યારે રિનોવેશન શરૂ થયું ત્યારે કોઈ બેરિકેડ નહોતું. બાદમાં, તેઓએ અમારા પર નજર રાખવાનું શરૂ કર્યું, બેરિકેડ લગાવી દીધા, સ્ટીકર આપવાનું બંધ કર્યું અને છેવટે કામ અટકાવી દઈને અમને અંદર ન આવવા માટે કહી દીધું. ઝાલાએ જણાવ્યું કે તેમણે આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રહેણાંક સોસાયટીમાં જ્ઞાતિ આધારિત ભેદભાવના આક્ષેપોને કારણે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પોલીસે જણાવ્યું કે તેઓ ફરિયાદની તપાસ કરી રહ્યા છે અને તમામ પક્ષોના તથ્યો તથા નિવેદનોની ચકાસણી કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


