માણસા તાલુકાના અંબોડને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે: અમિત શાહ
સુજલામ સુફલામ્ યોજનાને કારણે જમીનના પાણીના તળ ઊંચા આવ્યા
માણસાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે માણસા તાલુકાના અંબોડના મીની પાવગઢ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. અંબોડ બેરેજના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, કાર્યક્રમમાં પહોંચવામાં મોડું થતાં હાથ જોડીને ક્ષમા માગું છું. અમે માણસાથી ભાડાની સાયકલ લઈને અંબોડ આવતા હતા, ઘરે પાછા ફરતા પંચર ના પડ્યું હોય તેવું ક્યારેય બન્યું નથી. આજે ચમકતો રોડ રાજ્ય સરકારે બનાવ્યો છે. 550 વર્ષ જૂનું આ મંદિર છે, મંદિરનો જીર્ણોદ્ધાર પણ કર્યો. સરોવર બનશે તો પર્યટન સ્થળનો પણ વિકાસ થશે તેમ કહ્યું હતું.
સાબરમતી 12 મહિના રહે છેઃ અમિત શાહ
આ ઉપરાંત તેમણે કહ્યું, પહેલા ઉત્તર ગુજરાતમાં બોર કરવાની પણ મંજૂરી મળતી નહોતી. ઉત્તર ગુજરાતમાં ગરમ પાણી બોરમાંથી આવતું હતું. કૉગ્રેસે નાખેલા અડંગા નરેન્દ્રભાઈએ દૂર કરવા સંઘર્ષ કર્યો હતો. વરસાદનું વહી જતું પાણી 9 હજાર તળાવોમાં નાંખવામાં આવ્યું હતું. પાણી વાળવાથી તળ પણ ઊંચા આવ્યા છે. ઉત્તર ગુજરાતને સુજલામ – સુફલામ્ યોજના નરેન્દ્રભાઈએ આપી છે. હવે સાબરમતી 12 મહિના છલોછલ રહે તેવી વ્યવસ્થા થઈ રહી છે. ઉત્તર ગુજરાત પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું, અંબોડમાં બેરેજ બનવાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.
આવતીકાલે વડનગરની લેશે મુલાકાત
ઉત્તરાયણના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઘાટલોડીયા, ન્યૂ રાણીપ અને સાબરમતીમાં પતંગ ચગાવ્યા હતા. 16 જાન્યુઆરીના દિવસે તેઓ વડનગરની મુલાકાતે આવશે. અમિત શાહના કાર્યક્રમને લઈને વડનગરમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આવતીકાલે વડનગરમાં આકાર લઇ રહેલા મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા અમિત શાહ કરશે, ત્યાર બાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે.