ટ્રમ્પથી ડરીને બોગસ પાસપોર્ટ બનાવીને ભારત આવેલો મહેસાણાનો યુવક ઝડપાઈ ગયો

મહેસાણાઃ અમેરિકા જવાની ગુજરાતીઓની ઘેલછાં સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અમેરિકા જવા માટે લોકો નકલી પાસપોર્ટ, ડંકી રૂટનો સહારો લેતા હોય છે. જાન્યુઆરીથી અમેરિકામાં ટ્રમ્પ શાસન આવ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતાં લોકોની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. હાલ અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓમાં ટ્રમ્પનો ડર બેઠો છે. ટ્રમ્પથી ડરીને બોગસ પાસપોર્ટ પર ભારત આવેલો મહેસાણાનો યુવક ઝડપાયો હતો.
મળતી વિગત પ્રમાણે, મહેસાણાનો 40 વર્ષીય યુવાન નકલી પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો. તેણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તે એટલાન્ટામાં કોઈપણ કાયદાકીય દસ્તાવેજો વિના રહેતો હતો અને જીવન નિર્વાહ માટે છૂટક નોકરીઓ કરતો હતો. પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી, ત્યારે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત ફરવાનું વિચાર્યું હતું.
તે 8 સપ્ટેમ્બરે દિલ્હીના IGI એરપોર્ટ પર આવતા જ ઇમિગ્રેશન અધિકારીઓએ તેના દસ્તાવેજની ચકાસણી કરી હતી. જેમાં તેનો પાસપોર્ટ બોગસ હોવાનું જણાયું હતું. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહેસાણાના જગુદણ ગામનો આ રહેવાસી સૌપ્રથમ ઓક્ટોબર 2018માં માન્ય પાસપોર્ટ પર વિયેતનામ ગયો હતો. ત્યાંથી, તે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યો, જ્યાં 15 મહિનાની લાંબી મુસાફરી બાદ તે આખરે એટલાન્ટા પહોંચ્યો. ત્યાં તે કાયદાકીય દસ્તાવેજો વિના રહેતો હતો અને મહેસાણાના જ એક અન્ય વ્યક્તિ પાસે આશરો લઈ મોટેલ અને પેટ્રોલ પંપ પર કામ કરતો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે ટ્રમ્પના વહીવટીતંત્રે ગેરકાયદેસર વસવાટ કરતાં લોકો સામે કડક પગલાં ભરવાનું શરૂ કરતાં તેમનું જીવન મુશ્કેલ બન્યું હતું. ભારતમાં પાછા ફરવા માટે, તેણે પોતાને દેશનિકાલ કરવા માટે હિમાચલ પ્રદેશના એક રહેવાસીના નામે નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. એટલાન્ટામાં 2020માં બનેલા આ પાસપોર્ટમાં મૂળભૂત સુરક્ષા સુવિધાઓનો અભાવ હતો અને 8 સપ્ટેમ્બરે જ્યારે તે વ્યક્તિ IGI એરપોર્ટ પર આવ્યો ત્યારે તે નકલી હોવાનું બહાર આવ્યું હતું.
આપણ વાંચો: અમેરિકાના ટુકડા થશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે ! ક્યા ભારતીયે કરી આ આગાહી ?