મહેસાણામાં ₹10.86 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના 3 યુવકો ઝડપાયા! ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી

મહેસાણા: ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે એક મોટી કાર્યવાહીમાં મહેસાણા ખાતેથી લાખો રૂપિયાના માદક પદાર્થ મેથા એમ્ફેટામાઇન (MD ડ્રગ્સ) સાથે રાજસ્થાનના ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, ત્રણ ઇસમો રાજસ્થાનના ભીનમાલ ખાતેથી ટ્રેનમાં બેસીને ડ્રગ્સનો જથ્થો લઈને મહેસાણા આવી રહ્યા છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ 19 નવેમ્બરના રોજ સાંજે મહેસાણા રેલ્વે સ્ટેશન નજીક માલગોદામ રોડ પર છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહીમાં મહેસાણા મહાનગર પાલિકાના બે સરકારી પંચોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, પોલીસને બાતમી મળી હતી તે મુજબના ત્રણ ઇસમો સાંજે આશરે 7:45 વાગ્યે એન્ડ્રોમેડા ઇન્ડીયન લાર્જેસ્ટ લોન ડીસ્ટ્રીબ્યુશનની ઑફિસ આગળ જાહેર રોડ પરથી ચાલતા આવતા જણાયા હતા. જે પૈકી એક યુવકના ખભે વાદળી કલરનો થેલો લટકાવેલો હતો.
પોલીસે તેમને કોર્ડન કરીને રોકવાનો પ્રયાસ કરતા ત્રણેય ઇસમો ભાગવા લાગ્યા હતા, પરંતુ રોડ પર સ્લીપ ખાઈને નીચે પડી જતાં પોલીસ સ્ટાફે તેમને પકડી પાડ્યા હતા. પકડાયેલા ઇસમોની પૂછપરછમાં તેમની ઓળખ (1) અશોકકુમાર ભાખરારામ બિશ્નોઈ (ઉ.વ. 21), (2) જગદીશકુમાર હરીરામ બિશ્નોઇ (ઉ.વ. 20), અને (3) સુરેશકુમાર વિરારામ બિશ્નોઇ (ઉ.વ. 27), ત્રણેય રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી તરીકે થઈ હતી.
NDPS એક્ટની જોગવાઈઓનું પાલન કરીને ત્રણેય આરોપીઓની અંગઝડતી અને થેલાની તપાસ કરવામાં આવી હતી. આરોપી અશોકકુમાર પાસેથી મળી આવેલા વાદળી કલરના થેલામાંથી સફેદ અને આછા લીલા રંગના પ્લાસ્ટિકમાં લપેટેલું, પીળા રંગની સેલોટેપથી વીંટાળેલું એક પાર્સલ મળી આવ્યું હતું. આ પાર્સલની અંદરથી વિશિષ્ટ વાસવાળો, આછા પીળાશ પડતા કેસરી જેવા રંગનો સ્ફટીકમય પદાર્થ મળી આવ્યો હતો. FSL અધિકારીની હાજરીમાં કરાયેલા પ્રાથમિક પરીક્ષણના અંતે આ પદાર્થ મેથા એમ્ફેટામાઇન (MD ડ્રગ્સ) હોવાનો અભિપ્રાય મળ્યો હતો.
કબ્જે કરાયેલા મેથા એમ્ફેટામાઇનનો નેટ વજન 108 ગ્રામ 660 મિલીગ્રામ થયો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 10,86,600 ગણવામાં આવી છે. ડ્રગ્સના જથ્થા ઉપરાંત, આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન (કિંમત ₹30,000) અને રોકડા રૂ. 1,530 સહિત કુલ રૂ. 11,18,130નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછમાં મુખ્ય આરોપી અશોકકુમારે જણાવ્યું હતું કે, સુરેશકુમાર મોહનલાલ બિશ્નોઈ નામના વ્યક્તિએ તેમને ₹20,000ની લાલચ આપીને આ MD ડ્રગ્સનો જથ્થો મહેસાણા ખાતે કોઈ અન્ય વ્યક્તિને આપવા મોકલ્યો હતો. SMCએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 22(C), 29 મુજબ ગુનો નોંધી, સુરેશકુમાર મોહનલાલ બિશ્નોઈ સહિત તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળનો આક્રમક ડ્રગ્સ વિરોધી હુમલો: 3નાં મોત



