
ગાંધીનગરઃ રાજ્યમાં રાજકીય પાર્ટીઓને ફંડ આપતા લોકોને ત્યાં ઈન્કમટેક્સ ત્રાટક્યું છે. ચેકમાં પૈસા આપી રોકડ લઈ કાળા ધોળા કરતા તત્વોને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીનગરમાં ભારતીય રાષ્ટ્રીય જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના સેક્ટર-26 સ્થિત મકાને ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આજે સવારે આવકવેરા વિભાગની ટીમ ત્યાં ત્રાટકતાં હોબાળા મચી ગયો હતો. આ ઉપરાત સંજય ગજેરના ડ્રાયવરના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત બે-ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.
ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય રાષ્ટ્રીય જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે.
થોડા મહિના પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર આ અંગે લખ્યું હતું. તેમણે અખબારના અહેવાલ સાથે લખ્યું કે, “ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમનું નામ કોઈએ સાંભળ્યું નથી – પણ તેમને 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે! આ પાર્ટીઓએ ભાગ્યેજ ચૂંટણી લડી છે, અથવા ચૂંટણી લડવા પર ખર્ચ કર્યો છે. આ હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? તેને (પાર્ટીઓને) કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે કે તેઓ આ વખતે પણ સોગંદનામું માંગશે? અથવા તેઓ કાયદો જ બદલી દેશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?”
અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં રજીસ્ટર્ડ 10 અનામી રાજકીય પક્ષોને મોટા પ્રમાણમાં દાન મળ્યું છે. અહેવાલ મુજબ આ પક્ષોને 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં રૂ. 4300 કરોડનું દાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન, યોજાયેલી 2019 તથા 2024ની બે લોકસભા અને 2022 વિધાનસભા એક ત્રણ ચૂંટણીઓમાં આ પક્ષો ગુજરાતમાં ફક્ત 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કુલ 54,069 મત મેળવ્યા હતા.
અહેવાલ મુજબ આ પક્ષોએ ચૂંટણી પંચમાં જમા કરાવેલા રીપોર્ટ મુજબ આ પક્ષોએ માત્ર 39.02 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો હતો, જ્યારે ઓડિટ અહેવાલમાં 3500 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.



