ગુજરાતમાં આમ આદમી પાર્ટી ક્યાં મજબૂત કરી રહી છે સંગઠન?

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે. જો કે પ્રારંભિક તબક્કમાં પાર્ટીએ જે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે બેઠકોમાં હાલ કોંગ્રેસ મજબૂત દેખાઇ રહી છે. પહેલા તબક્કાના આ ભાગરૂપે આમ આદમી પાર્ટીએ જિજ્ઞેશ મેવાણીની વડગામ અને કિરીટ પટેલની પાટણ બેઠક ઉપરાંત હાલ જ્યાં ભાજપ નબળી સ્થિતિમાં છે તેવી ખેરાલુ, સિદ્ધપુર અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર પાર્ટીએ પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને પણ લક્ષમાં લઇને કરાઇ હોવાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું.
થોડા દિવસ પહેલા પૂર્વ કરજણ શહેર ભાજપ ઉપપ્રમુખ હિરેનસિંહ સિંઘા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમની આપમાં વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું, ભાજપના જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે અને પાર્ટીની વિચારધારા બદલાઈ રહી છે. જેથી ભાજપ છોડીને આપમાં સામેલ થયો છું. આ ઉપરાંત હિરેનસિંહ સિંઘાએ કહ્યું, જૂના કાર્યકરોની દરેક વખતે અવગણના કરવામાં આવે છે. આગળ વધવાનો કોઈ ચાન્સ આપવામાં આવતો નથી. પ્રજાનું કોઈ કામ થતું નથી. હું 2005થી ભાજપનો કાર્યકરો હતો. 2007માં કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો. 2012માં કરજણ શહેર ઉપપ્રમુખ હતો. 2012માં ભાજપને વિધાનસભા બેઠક જીતાડવામાં મારો મહત્ત્વનો ફાળો હતો.
તેમની સાથે ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલી અને ડેસર તાલુકાના ભાજપના 200થી 300 કાર્યકર લઈને આપમાં સામેલ થયા હતા. આપમાં જોડાતા જ તેમણે કહ્યું કે, અમે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું. પ્રજાલક્ષી કોઈપણ કામ હશે, તો અમે કરવા માટે તૈયાર છીએ. તાલુકા અને જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે. એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું.
ઉલ્લેખનીય છે કે બોટાદ અને સુરેન્દ્રનગર_ વિસ્તારમાં યોજાયેલી મહા પંચાયત બાદ આમ આદમી પાર્ટીએ વધુ નવી પાંચ મહા પંચાયતનું એલાન કર્યું હતું. આગામી 23 નવેમ્બરે બારડોલી, 29 નવેમ્બરે આણંદ, 30 નવેમ્બરે બનાસકાંઠા, 7 ડિસેમ્બરે અમરેલી અને 14 ડિસેમ્બરે કચ્છમાં મહા પંચાયત કરશે.
આપણ વાંચો: ગુજરાત બની રહ્યું છે ડાયાબિટીસ કેપિટલ, 50 ટકા દર્દીઓનું નથી થતું નિદાન



