Gujarat માં પ્રોજેક્ટ લાયનના દાવા પોકળ, બે વર્ષમાં 286 સાવજના મોત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું (gujarat assembly) હાલ બજેટ સત્ર 2025 (budget session) ચાલી રહ્યું છે. ત્યારે ગૃહમાં પ્રશ્નોતરી કાળ (question hour) દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા રાજ્યમાં સિંહ-દીપડાના મોત અંગે સવાલ કર્યો હતો. જેનો જવાબમાં રાજ્ય વનપ્રધાને ગુજરાતમાં બે વર્ષમાં 286 સિંહો અને 456 દીપડાના મોત થયાનું જણાવ્યુ હતું.
બે વર્ષમાં 286 સિંહોના મોત
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્યમાં સિંહ-દીપડાના મોત અંગે વન પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં બે વર્ષમાં 286 સિંહોના મોત થયા હતા. કુલ મોત પૈકી 228 સિંહોના કુદરતી કારણોસર મૃત્યુ થયા, જ્યારે 58 સિંહોના મોત વાહનોની ટક્કરથી અથવા ખુલ્લા કુવામાં ડૂબી જવા જેવા અકુદરતી કારણોસર થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 286 સિંહ મૃત્યુ પામ્યા તેમાં 143 બચ્ચા હતા. રાજ્યમાં 2023 અને 2024 બે વર્ષમાં 456 દીપડાના મોત થયા હતા. વધુમાં 286 સિંહોના મૃત્યુમાંથી, 2023માં 121 અને 2024માં 165 સિંહોના મૃત્યુ થયા હતા.
બે વર્ષમાં 456 દીપડાના મોત
વન પ્રધાને વિધાનસભા ગૃહમાં દીપડાના મોત અંગે લેખિત જવાબ આપતા જણાવ્યું કે, દીપડાના કિસ્સામાં વર્ષ 2023માં 225 અને વર્ષ 2024માં 231 દીપડાના મૃત્યુ થયા હતા. જ્યારે 228 સિંહો દીપડાઓમાં, 303 મૃત્યુ કુદરતી કારણોસર થયા અને 153 મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા. આ પૈકી 58 મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા, જેમ કે વાહનોની ટક્કરથી અથવા ખુલ્લા કુવામાં ડૂબી જવાથી થયા હતા.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે વન્યપ્રાણીના અકુદરતી મૃત્યુને રોકવા માટે વિવિધ પગલાં લીધા છે જેમ કે પશુચિકિત્સા ડોકટરોની નિમણૂક તથા સિંહો અને અન્ય જંગલી પ્રાણીઓના સમયસર હસ્તક્ષેપ અને સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પર સ્પીડ-બ્રેકર બનાવવા અને સાઇન બોર્ડ લગાવવા, જંગલોમાં નિયમિત પગપાળા પેટ્રોલિંગ, જંગલોની નજીક ખુલ્લા કુવા માટે પેરાપેટ દિવાલ બનાવવા, ગીર વન્યજીવન અભયારણ્ય નજીક રેલવે ટ્રેકની બંને બાજુ વાડ લગાવવી અને એશિયાટિક સિંહોની ગતિવિધિ પર નજર રાખવા માટે રેડિયો-કોલરિંગનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…Gujarat Politics: ગુજરાતમાં કોણ બનશે પાટીલના અનુગામી? આ નામો છે ચર્ચામાં
બીજીતરફ ગુજરાતમાં પ્રોજેક્ટ લાયન 2020થી અમલમાં છે. આ ઉપરાંત સિંહો માટે અનેક ટેકનોલોજી વિકસાવવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 286 સિંહોએ મોતને ભેટવાનો વારો આવ્યો છે. હાલમાં કોઈપણ પ્રકારનો ગંભીર રોગ ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં સિંહોના મોત શા કારણે થયા તેવા સવાલો સિંહપ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
વર્ષ 2018થી 2020 સુધી સિંહો પર રોગનો ભરડો હતો ત્યારે સૌથી વધુ સિંહોના મોત થયા હતા ત્યારબાદ વર્ષવાર મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. સિંહોમાં આવેલા રોગ બાદ વર્ષ 2020માં પ્રોજેક્ટ લાયનની ખુદ વડા પ્રધાને જાહેરાત કરી હતી. હજુ આ પ્રોજેક્ટ અંગે અનેક દ્વિધાઓ છે. આ ઉપરાંત સિંહો માટે અનેક ટેકનોલોજી વિકસાવવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં આટલી સંખ્યામાં સિંહના મોત થયા હતા.