ગુજરાતમાં બજેટ પહેલાં કૉંગ્રેસના નેતાઓએ શું કહ્યું? જાણો વિગત

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુ દેસાઈ થોડીવારમાં બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. આ પહેલા કૉંગ્રેસના નેતાઓ દ્વારા બજેટ અંગે મીડિયા સાથે વાત કરી હતી.
ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશાઃ અનંત પટેલ
કૉંગ્રેસ નેતા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય બજેટમાંથી આદિવાસીઓને કોઈ લાભ આપવામાં આવ્યો નથી, તેથી ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશા સાથે કનુભાઈ દેસાઈ કઈ રીતનું બજેટ લઈને આવે છે તે હવે જોવાનું રહ્યું છે.
સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએઃ કિરીટ પટેલ
પાટણના ધારાસભ્યે ડૉ. કિરીટ પટેલ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓમાં આઉસોર્સિંગ અને કરાર આધારિત રાહત થાય તેમજ સરકારી કર્મચારીઓ માટે સારી જાહેરાત થાય તેવી આશા આ બજેટમાં રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું, અધ્યાપક, વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરાય એવી જોગવાઈ પણ બજેટમાં હોવી જોઈએ. આ ઉપરાંત ગરીબો માટે જોગવાઇ થાય એવી આશા રાખવામાં આવી રહી. ગુજરાતના વેપારીઓ, સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ.
ઋષિકેશ પટેલ બજેટની રજૂઆત પહેલાં શું બોલ્યા
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો…રાજકોટ-હાપા સ્ટેશન પર ચાલતા કામને લીધે સૌરાષ્ટ્રની આ ટ્રેનો પર પડશે અસર
ઉલ્લેખનીય છે કે આ વખતે કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.