
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના જળાશયોમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે. જેમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યના 29 ડેમ 100 ટકા ભરાયા છે. જયારે 63 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. 42 ડેમ 50 થી 70 ટકા, 36 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. જયારે 36 ડેમોમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના 49 ડેમો હાઈ એલર્ટ પર, 24 ડેમ એલર્ટ પર અને 19 ડેમ વોર્નિગ પર છે.
નર્મદા ડેમના પાણીનો 62. 46 ટકા જથ્થો
આમ રાજ્યના કુલ 206 જળાશયોમાં પાણીની આવક થઈ છે. જે જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાનો 63.11 જથ્થો છે. જયારે સરદાર સરોવર નર્મદા ડેમમાં 1,05,393 કયુસેક પાણીની આવક છે. જયારે 36,208 કયુસેક પાણીની જાવક છે. હાલ નર્મદા ડેમના પાણીનો 62. 46 ટકા જથ્થો છે.
ક્ષેત્રુંજી ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ
જયારે રાજયના અન્ય મહત્વના ડેમોમાં જળસંગ્રહની વાત કરીએ તો, ધરોઈ ડેમ 83.37 ટકા, સિપુ ડેમ 11.92 ટકા, દાંતીવાડા ડેમ 24. 94 ટકા, સુખી ડેમમાં 80.64 ટકા, વાત્રકમાં 62. 48 ટકા, મચ્છુ -1માં 65. 45 ટકા, કડાણા 62. 86 ટકા, પાનમ ડેમમાં 80. 31 ટકા, કરજણ ડેમમાં 66.49 ટકા, ભાદર ડેમમાં 45. 25 ટકા, ઉકાઈ ડેમમાં 62. 09, દમણગંગા ડેમમાં 42.30 ટકા, બ્રાહ્મણી ડેમમાં 100 ટકા, મચ્છુ -2 માં 40. 10 ટકા, અને ક્ષેત્રુંજી ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ છે.
વરસાદના પગલે અનેક જીલ્લાઓમાં જનજીવનને વ્યાપક અસર
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જીલ્લાઓમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ હાલ કુલ 102 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના પગલે એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવે સહિત 102 રોડ બંધ
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 61 ટકા વરસાદ
ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 65 ટકા, કચ્છ ઝોનમાં 64 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં 63 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.