‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત રાજ્યમાં રૂ. ૨૩ લાખના ખર્ચે ૪00 થી વધુ કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી…

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે.
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને ઘરે બેઠા પતંગ બનાવવાની તાલીમ આપીને રોજગારી માટે સક્ષમ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા આપવામાં આવતી આ તાલીમનો મોટા પ્રમાણમાં રોજગાર ઇચ્છુક નાગરિકો લાભ લઈ રહ્યા છે.
આ પણ વાંચો : ચાઇનીઝ દોરી સામે ગુજરાત પોલીસની લાલ આંખ, આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરાશે
સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પતંગ વ્યવસાય ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં વિકસે તે માટે ખેત મજૂરી તેમજ છૂટક મજૂરી કરતા ભાઈઓ તથા બહેનોને તાલીમ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પતંગ બનાવવાની પ્રક્રિયા, તે માટે લાગતો સમય, પતંગનું માર્કેટ અને રોજગારીની ઉજ્જવળ સંભાવનાઓ જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રત્યક્ષ તાલીમ-માર્ગદર્શન આપવામાં આવે છે. આ તાલીમ વર્ગનો સમય ગાળો ૩૦ દિવસનો હોય છે તથા દરેક વર્ગમાં ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચેની વયના તાલીમાર્થીઓની પસંદગી કરીને કુલ ૩૦ તાલીમાર્થીઓની બેચમાં તાલીમ આપવામાં આવે છે.
હાલમાં, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા, આણંદ, ખેડા, વલસાડ, સુરત, પાટણ, અરવલ્લી, ડાંગ, નર્મદા અને તાપી એમ કુલ ૧૨ જિલ્લાઓના વિવિધ કેન્દ્રો ઉપર પતંગ બનાવવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦ જેટલા વર્ગો પૂર્ણ થતાં તાલીમ થકી તૈયાર થયેલ કારીગર બહેનો દ્વારા પતંગોનું ઉત્પાદન કરીને તેમજ વેચાણ માટે સ્ટોર બનાવીને આવક ઉભી કરવામાં આવી હતી.