વય મર્યાદા વધારવાની માંગ સાથે વિદ્યા સહાયકોના ગાંધીનગરમાં ધરણા: આમરણાંત ઉપવાસની ચીમકી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિદ્યા સહાયકોના ઉમેદવારોએ ફરી રાજ્ય સરકાર સામે બાયો ચઢાવી છે, વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતાં અને સરકાર સામે મોરચો માંડ્યો હતો. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ સચિવને આ મામલે રજૂઆત કરી હતી અને માગ પૂરી ન થતાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Also read: ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી વિદ્યા સહાયકના ઉમેદવારો આવેદન પત્ર આપીને વયમર્યાદા વધારવાની રજૂઆત કરી રહ્યા છે. પરંતુ, વિદ્યા સહાયકોની માંગ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો આ વિશે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અનેક ઉમેદવારો બેરોજગાર બનશે. હજુ સુધી ઉમેદવારોની માંગ પર કોઈ નિર્ણય ન લેવાતા ઉમેદવારોએ અન્ન-જળનો ત્યાગ કરવા અને આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉમેદવારોની માગ છે કે, ટેટ-1 અને ટેટ-2 પોર્ટલ ઓન કરી ઉમેદવારોને તક આપવી જોઈએ. આ સાથે જ વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મેનેજમેન્ટમાં સરકારી ક્ષતિઓ બાબતે પણ આરોપ લગાવ્યો હતા.