વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આવતીકાલે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, મુખ્ય પ્રધાન રહેશે ઉપસ્થિત | મુંબઈ સમાચાર
ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આવતીકાલે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, મુખ્ય પ્રધાન રહેશે ઉપસ્થિત

ગાંધીનગરઃ આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC)ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા 4 સપ્ટેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક પરિષદોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમની સમક્ષ રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલોને પ્રસ્તુત કરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના ગૌરવમય વારસાને અનુરૂપ ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર પ્રાદેશિક પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદો દરેક ક્ષેત્રની વિશિષ્ટ સંભાવનાઓને ઉજાગર કરવા, ક્ષેત્ર-વિશિષ્ટ તકોને ઓળખવા અને રોકાણોને તે ક્ષેત્રોમાં લાવવા પર કેન્દ્રિત છે.

આપણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત: માંડલ-બેચરાજી SIRમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરજોશમાં

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં યોજાનારી આ પરિસંવાદ બેઠકનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં બે સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સત્રમાં ઉદ્યોગપતિઓ જ્યારે બીજા સત્રમાં ફોરેન મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન સંવાદ કરશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વિશેષ સંબોધન ઉપરાંત, ઉદ્યોગપતિઓ સાથે બપોરે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, IAS દ્વારા VGRC પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ તેમના અનુભવો શેર કરી શકે તેના માટે પણ એક સત્ર રહેશે.

ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) ના સચિવ અમરદીપ સિંહ ભાટિયા, IAS અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશી, IAS પણ સત્ર દરમિયાન સંબોધન કરશે.

સાંજના સમયગાળામાં ફોરેન મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓના ખાસ સત્રમાં માનનીય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ સંબોધન કરશે.

આપણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યું ‘અયોધ્યાધામ’ જાણો કઈ રીતે?

વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRCs) ક્ષેત્ર-કેન્દ્રિત ચર્ચાઓ, B2B / B2G બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, રિવર્સ બાયર સેલર મીટ, ટ્રેડ શો/પ્રદર્શન, નેટવર્કિંગ તેમજ MSMEs અને કારીગરોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

પ્રાદેશિક આકાંક્ષાઓને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે જોડવા માટે આ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે, જેથી ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સશક્ત અને પ્રભાવી બનાવી શકાય.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button