ગાંધીનગર

VCEને યુનિટ દિઠ 20 રૂપિયા ચૂકવાશે, મુખ્ય પ્રધાનનો વધુ એક સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે.

ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના માધ્‍યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે.

૭/૧ર, ૮-અ અને હકકપત્રની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે.

આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. તેમના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.

આ પણ વાંચો…Video: કેન્દ્રીય પ્રધાન ગડકરી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું NH 48 નું ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button