ગુજરાતમાં કામકાજના કલાકો વધારવા મુદ્દે બબાલઃ સરકારના વટહુકમ સામે કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં

ગાંધીનગરઃ ગુજરાત સરકારે પહેલી જુલાઈએ વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં કામકાજના કલાકો નવથી વધારીને 12 કલાક કરવાની જોગવાઈ હતી, જેનાથી બે કરોડ કર્મચારીને અસર થવાની શક્યતા છે. વટહુકમ બહાર પાડતી વખતે સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં રોજગારી વધારવા તથા આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે હવે સરકારના પગલાંનો વિરોધ થઈ રહ્યો છે. આ વટહુકમનો કામદાર સંગઠનો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોએ સરકારના આ પગલાને કર્મચારીઓનું શોષણ ગણાવીને તેની સામે લડી લેવાની તૈયારી બતાવી હતી.
વટહુકમને પડકારવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું કે, વિવિધ કામદાર સંગઠનો આ વટહુકમનો વિરોધ કરી રહ્યા છે અને તેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. સરકારના આ વટહુકમથી કામના કલાકો વધી જશે. જેની સીધી અસર કામદારોના સ્વાસ્થ્ય પર પડશે. એટલું જ નહીં વટહુકમમાં રાત્રે પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જેના કારણે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થઈ શકે છે.
ઉદ્યોગપતિઓના લાભાર્થે વટહુકમ
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે વિધાનસભાના ફ્લોર પર લાવ્યા વગર જ આ સુધારો 1 જુલાઈ, 2025થી લાગુ થાય તે રીતે વટહુકમ બહાર પાડી દીધો હતો. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટના દબાણમાં તેમને ફાયદો કરાવવા આ વટહુકમ લાવવામાં આવ્યો છે. જે ઉદ્યોગ પાવરથી ચાલે અને 10થી વધારે કામદારો કામ કરે તેમજ જે ઉદ્યોગ પાવર વગર ચાલે અને 20થી વધારે કામદારો કામ કરે ત્યાં ફેક્ટરી એક્ટ લાગુ પડે છે.’
કેમ થઈ રહ્યો છે વિરોધ?
સરકારે કામના કલાકો વધારવાનો નિર્ણય લીધો છે, અને તેમનો દાવો છે કે આનાથી આર્થિક વિકાસ થશે અને લોકોને વધુ રોજગારી મળશે. કે, વાસ્તવિકતા અલગ છે. જે મુજબ જો 8 કલાકની શિફ્ટ હોય, તો એક ફેક્ટરી દિવસમાં 3 શિફ્ટ ચલાવી શકે અને ત્રણ કામદારોને નોકરી મળી શકે. પરંતુ, જો 12 કલાકની શિફ્ટ કરવામાં આવે, તો માત્ર 2 શિફ્ટ ચાલે અને એક કામદારની નોકરી ઓછી થઈ જાય. આમ, આ નિર્ણયથી રોજગારી વધવાને બદલે ઘટી શકે છે.લાંબા સમય સુધી કામ કરવાથી કામદારોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરોની ઘણી જગ્યાઓ ખાલી છે. જો કોઈ કામદાર ફરિયાદ કરે, તો પણ તેનો ઉકેલ આવતા મહિનાઓ લાગી જાય છે. આ કારણે કાયદાનું પાલન થવું મુશ્કેલ છે.
મહારાષ્ટ્રમાં વધાર્યા કામના કલાકો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે પણ હમણાં થોડા દિવસો પહેલાં જ પ્રાઇવેટ સેક્ટરમાં કામના કલાકોમાં વધારો કર્યો હતો. ફડણવીસ સરકારનો દાવો છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે આવું કર્યું છે.
આપણ વાંચો: 12 કલાકના વિલંબ બાદ આખરે લાલબાગચા રાજાનું વિસર્જન…