
અમદાવાદઃ ઈન્દોરમાં દૂષિત પાણીને લીધે બીમારી અને મૃત્યુના કેસ વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધી ગયા હોવાની જાણકારી મળી હતી. લગભગ 100 જેટલા બાળકને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસમાં 50 ટકાનો વધારો નોંધાયો હતો.
દૂષિત પાણીને લીધે આ સ્થિતિનું નિર્માણ થયાનું સૂત્રો જાવી રહ્યા છે. નવી પાણીની લાઈનમાં ગટરની લાઈન જોડાતા ખાસ કરીને સેક્ટર 24 અને 28માં રોગચાળો ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણકારી બહાર આવતા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા. આ સાથે અહીંના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ સ્થિતિનો તાગ મેળવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અચાનક હૉસ્પિટલમાં દરદીઓ વધતા નવો વૉર્ડ શરૂ કરવાની જરૂર પડી હતી. મળતી માહિતી અનુસાર અમુક વિસ્તારોનું પાણી પીવાલાયક ન હોવાનું બહાર આવ્યુ હતું. અહીં રહેનારા લોકોએ રોષ અને નારાજગી દર્શાવી હતી અને જવાબદારો સામે પગલા લેવાની માગણી કરી હતી.
દરમિયાન સંઘવીએ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…જિંદગીની કિંમત ૨ લાખ રૂપિયા ન હોય: ઈન્દોર કાંડ પર ભાજપના નેતા જ સરકારને લીધી આડે હાથ…



