₹10 લાખ ન ચૂકવવાના ત્રાસથી આદિવાસી શ્રમિકની આત્મહત્યા; કોન્ટ્રાકટર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ

ગાંધીનગર: કોબા રોડ પર આવેલી ‘ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન’ સાઇટ પર ₹10 લાખની લેણાંની રકમ ન ચૂકવવાના મામલે કોન્ટ્રાક્ટરના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક આદિવાસી શ્રમિકે આત્મહત્યા કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. મૃતકના નાના ભાઈએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાળાગાળી અને જાતિવાદી અપમાનના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
દિવાળી પહેલા કરાતી હતી ઉઘરાણી
ફરિયાદની વિગતો અનુસાર, મૃતક અર્જુન નરસુભાઈ પસાયા કોબાની ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઇટ પર RC.C. કોંક્રિટનું કામ સંભાળતા હતા. તેમના નાના ભાઈ રાહુલ પસાયા (ઉં.વ. 18)એ આપેલી ફરિયાદ મુજબ, અર્જુનભાઈએ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુત પાસેથી આશરે ₹10 લાખનું લેણું નીકળતું હતું, જે તેમને નીચે કામ કરતા અન્ય 15 શ્રમિકોને દિવાળીના તહેવાર પહેલા ચૂકવવાનું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે, અર્જુનભાઈ અવારનવાર પેમેન્ટ માટે કૌશિકસિંહ પાસે ઉઘરાણી કરતા હતા, પરંતુ તેઓ ગલ્લાંતલ્લાં કરતા હતા.
જાતિવાદી અપમાનનો આક્ષેપ
આશરે પંદર દિવસ પહેલા અર્જુનભાઈએ તેમના પિતા નરસુયાભાઈને પણ સાઇટ પર બોલાવ્યા હતા. જ્યારે પિતા-પુત્રએ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુતને મજૂરોના પગાર ચૂકવવા પૈસા આપવા વિનંતી કરી, ત્યારે કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી. ફરિયાદ મુજબ, કૌશિકસિંહે જાતિવાદી શબ્દોથી અપમાન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, “હું તમને કોઈ પૈસા આપવાનો નથી” અને મૃતકના પિતાને થપ્પડ પણ મારી દીધી હતી. અર્જુનભાઈએ પૈસા ન મળવાથી આબરૂ જશે અને મરવાનો સમય આવી જશે તેવી મજબૂરી વ્યક્ત કરવા છતાં કોન્ટ્રાક્ટરે તેમની એક વાત માની ન હતી.
૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ફરીથી કૌશિકસિંહ સાઇટ પર આવતા અર્જુનભાઈએ ઉઘરાણી કરી હતી, ત્યારે ફરીથી ગાળો બોલી ઝપાઝપી કરવામાં આવી હતી અને પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેવાઈ હતી. રાહુલ પસાયાએ જણાવ્યું કે, સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને તેમના ભાઈ અર્જુનભાઈ ૧૪ ઓક્ટોબરની રાત્રે એકલા બેસીને રડતા હતા અને વારંવાર કૌશિકસિંહના ત્રાસને કારણે હવે જીવી નહીં શકું, મરી જવું પડશે તેવી વાતો કરતા હતા.
ત્યારે 15 ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ વાગ્યે જ્યારે રાહુલભાઈ તેમના ભાઈના રૂમમાં ગયા, ત્યારે રૂમ અંદરથી બંધ હતો. અન્ય મજૂરોની મદદથી દરવાજો ખોલતા અર્જુનભાઈએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના ભાઈ રાહુલ પસાયાએ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુત વિરુદ્ધ માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની અને જાતિગત અપમાન કરવાની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.