મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?

ગાંધીનગરઃ ખેડૂતોના વિવિધ માંગણીઓને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા ગયા હતા. જોકે સ્વર્ણિમ સંકુલ બહાર પહેલાથી કૃષિ પ્રધાન જીતુ વાઘાણી હાજર હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ વાઘાણી તેમને ભેટી પડ્યા હતા. ઉપરાંત કાનમાં કઈંક કહ્યું પણ હતું. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ ગઈકાલે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા મુખ્ય પ્રધાનને મળવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાક્રમ બન્યો હતો.
આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત સમુદાય ભાજપની 30 વર્ષની તાનાશાહીથી કંટાળી ગયો છે. તેમને તેમના પાકનો વાજબી ભાવ પણ મળી રહ્યો નથી, જેના કારણે ખેડુત ભાઈઓ આત્મહત્યા કરવા મજબૂર છે. ખેડૂતોને પડતી સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવા અને ઉકેલ શોધવા માટે, આમ આદમી પાર્ટીએ રાજ્યભરના 8,000 ગામડાઓની મુલાકાત લીધી, 80,000 ખેડૂતો સાથે મુલાકાત કરી અને 10 મુદ્દાની માંગણી પર તેમના હસ્તાક્ષરો એકત્રિત કર્યા છે.
આમ આદમી પાર્ટીની માંગણીઓ?
બધા APMC બજારોમાં ભાવ ઘટાડાની પ્રથા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ અને તેમાં સામેલ લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ.
ખેડૂતોને APMC બજારોને બદલે તેમના પાકને વેરહાઉસ કે ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી જોઈએ નહીં.
ગુજરાતભરમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો/શેરખેડુતોને એક મહિનાની અંદર પ્રતિ હેક્ટર ₹50,000 વળતર આપવું જોઈએ.
બધા ડેરી યુનિયનો દૂધના ભાવમાં તફાવતની રકમ ડેરી ખેડૂતોને સમયસર અને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવા જોઈએ.
ખેડૂતોને દરરોજ 12 કલાક મફત વીજળી પૂરી પાડવી જોઈએ.
હડદડ અને સાબર ડેરીના વિરોધ દરમિયાન ખેડૂતો સામે દાખલ કરાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા જોઈએ અને જેલમાં બંધ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ.
સરકારે તમામ પાકની ખરીદી MSP (લઘુત્તમ ટેકાના ભાવ) પર સુનિશ્ચિત કરવી જોઈએ.
ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર પૂરા પાડવા જોઈએ.
શેરડીના ખેડૂતોને બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવી જોઈએ.
સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શરૂ થવી જોઈએ.
આપણ વાંચો: અમદાવાદની કઈ 4 હાઈ-ફાઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ થઈ દોડતી ?



