ખેડૂતો માટે ચાલતી આ સરકારી યોજનાનો રાજ્યમાં જ અમલ નહીં, પાંચ વર્ષ પહેલા કરી હતી જાહેરાત

ગાંધીનગરઃ ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જે પૈકી 2020માં મુખ્યમંત્રી કિસાન પાક વિમા સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ યોજનાનો આજદીન સુધી અમલ થયો નથી. આ યોજનાનો હેતુ ખેડૂતોને પાક નુકસાન સામે રક્ષણ આપવાનો હતો.
વર્ષે 2019માં ખેડૂતો માટે કૃષિ પેકેજ સહાય જાહેર કરવામાં આવ્યું ત્યારે પાક વિમા સહાય યોજનાનો લાભ મળી શક્યો હોત. હવે ગુજરાતમાં માત્ર કૃષિ સહાય પેકેજનો જ લાભ મળે છે. જે અપૂરતું હોવાથી ખેડૂતો માવઠા કે અન્ય આફત વખતે પાક ધિરાણ માફ કરવાની માંગ કરે છે. અન્ય રાજ્યમાં મુખ્યમંત્રી પાક સહાય વિમા યોજના કાર્યરત છે એટલે કુદરતી આફતના સમયે ખેડૂતોને તેનો લાભ મળે છે. જ્યારે ગુજરાતમાં આ યોજના બંધ કરી દેવાઈ છે. જો ગુજરાતમાં પણ આ યોજના અમલી હોત તો ખેડૂતોને પણ કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે વળતર મળી શક્યું હોત.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમા માવઠાએ ધરતીપુત્રોને પાયમાલ કરી નાંખ્યા છે. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભેલા પાકનો સોથ વળી ગયો હતો. જેના કારણ ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે રવિપાક થશે કે કેમ તેની પણ ચિંતા છે.
રાજ્ય સરકારે 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું હોવાનું સ્વીકાર્યું છે. ખેડૂતોની માંગ અને ઠેર ઠેર વિરોધને જોતાં કેટલી સહાય જાહેર કરવી તેને લઈ સરકાર મૂંઝવણમાં છે. જો એસડીઆરએફના નિયમો મુજબ સહાય ચૂકવાય તો ખેડૂતોનો અસંતોષ ફાટી નીકળે તેમ છે. આ જોતાં રાજ્ય સરકાર વધારાનું બજેટ ફાળવાથી સહાયમાં વધારો કરવાના મતમાં છે. આમ છતાંય ખેડૂતોને સરકાર રાજી કરી શકે તેવી સ્થિતિમાં નથી. માવઠાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે સરકારી કૃષિ સહાય અપૂરતી સાબિત થશે તેવું ચિત્ર હાલ ઉપસ્યું છે.



