ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ અને કેવી હશે સુવિધા

ગાંધીનગરઃ પાટનગરમાં રાજ્યનું પ્રથમ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે. 12 માળની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, ત્રણ ફ્લોર પર પોલીસ સ્ટેશન અને આઠ માળ પર પોલીસ પરિવારને રહેવા માટે ટુ બીએચકે ફ્લેટ બનાવવામાં આવશે. મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસીડેન્સી માટે આશરે 20 કરોડનો ખર્ચ થશે.
એક વીઘા જમીનમાં બનશે સંકુલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માટે ગૃહ વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. ધોળાકૂવા મેટ્રો સ્ટેશનથી સ્વામિનારાયણધામ સ્કૂલ તરફ જવાના રોડ પરની એક વીઘા જગ્યામાં આ સંકુલ આકાર લેશે. ઉપરાંત વર્ષ 2026ના અંત સુધીમાં તેને કાર્યરત કરી દેવાનું આયોજન છે.
કેવી હશે સુવિધાઓ
નિર્માણાધીન ત્રણ-ફ્લોરના સ્માર્ટ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અલાયદી ઓફિસ, સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન રૂમ જેમાં ટેક્નોલોજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એફઆઈએપ, કેસ મેનેજમેન્ટ, અને દસ્તાવેજનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશનનો સમાવેશ થશે. આ ઉપરાંત આરોપીઓને રાખવા માટે બેરેક અને સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર પરિસરમાં દેખરેખ રાખવામાં આવશે. ઝડપી કામગીરી અને ડેટા એક્સેસ માટે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ તથા કંટ્રોલ રૂમ સાથે સીધું સંકલન કરાશે.
મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, પીવાનું પાણી, મહિલાઓ માટે અલગ શૌચાલય, ડિજિટલ કિઓસ્ક, વિશેષ હેલ્પ ડેસ્ક તથા કાઉન્સેલિંગ રૂમ હશે. પોલીસકર્મીઓ માટે બનાવવામાં આવી રહેલા ફ્લેટમાં કિચન, ડ્રોઈંગ રૂમ, માસ્ટર બેડરૂમ (એટેચ બાથરૂમ સાથે), વધારાનો રૂમ હશે. આ ઉપરાંત ટેરેસ (ધાબા) ઉપર સોલર પેનલ્સ લગાવવામાં આવશે.આ સોલર પેનલ્સ સમગ્ર બિલ્ડિંગને વીજળી પૂરી પાડશે.
આપણ વાંચો: દિલધડક કરતબોથી મહેસાણા ધણધણ્યું: ‘સૂર્યકિરણ’ ટીમે ઉત્તર ગુજરાતના આકાશમાં રોમાંચ સર્જ્યો



