ગાંધીનગર

ઉત્તર ગુજરાતના આ શહેરમાં બનશે સૌપ્રથમ એરપોર્ટ, જાણો વિગત

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતની ઘણા સમયથી એરપોર્ટની માગણી કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. ડીસામાં ઉત્તર ગુજરાતના સૌ પ્રથમ સિવિલ એરપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડીસા ખાતેના એરફોર્સ સ્ટેશનને સિવિલ એરપોર્ટ અને એરફોર્સ સ્ટેશન એમ બંને રીતે ઉપયોગમાં લેવાશે. આ એરપોર્ટ 4500 એકરમાં ફેલાયેલું છે. હવે તેમાં 100 એકરમાં ટર્મિનલ બનાવાશે.

અમદાવાદ એરપોર્ટ પર રહેવું પડતું હતું નિર્ભર

આ ઉત્તર ગુજરાતનું પ્રથમ સિવિલિયન એરપોર્ટ બનશે, જેની સાથે આ વિસ્તારની વર્ષો જૂની માંગણી પૂરી થશે. હાલમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના રહેવાસીઓએ હવાઈ મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન પ્રવીણ માળીએ ડીસા ખાતે સિવિલ એરપોર્ટ માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી હતી. માળી ડીસા વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

બજેટ પણ ફાળવવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ અંદાજે 100 એકર વિસ્તારમાં બાંધવામાં આવશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, અહીંનો હાલનો રનવે 3.3 કિલોમીટર લાંબો છે, જે ગુજરાતના તમામ એરપોર્ટમાં સૌથી લાંબો રનવે છે. આગામી રાજ્ય બજેટમાં સરકાર આ પ્રસ્તાવિત એરપોર્ટ માટે ખાસ બજેટ જોગવાઈ પણ કરશે.

રાજસ્થાનને પણ થશે લાભ

આ પ્રસ્તાવિત એરપોર્ટ વ્યૂહાત્મક રીતે ડીસા શહેરથી માત્ર 18 કિમી દૂર આવેલું છે. ભારતમાલા પ્રોજેક્ટનો ભાગ એવો જામનગર-અમૃતસર હાઈવે એરફોર્સ સ્ટેશનથી આશરે 35 કિમી દૂર છે, જ્યારે અમદાવાદ-થરાદ હાઈવે પણ લગભગ 35 કિમીના અંતરે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આ એરપોર્ટથી 110 કિમી અને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું નડાબેટ સીમા દર્શન સ્થળ અંદાજે 100 કિમી દૂર છે. ડીસામાં પ્રસ્તાવિત ડે-એન્ડ-નાઈટ ઝૂ અને સફારી પણ એરપોર્ટથી 25 કિમીના વિસ્તારમાં હશે. આ એરપોર્ટનો લાભ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક જિલ્લાઓના રહેવાસીઓને પણ મળશે.

આપણ વાંચો:  ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં શું થયો મોટો ઘટસ્ફોટ ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button