ઐતિહાસિક વડનગર હવે વૈશ્વિક પ્રવાસન નકશા પર: ₹૧૫ કરોડના ખર્ચે દેશનો પ્રથમ ‘વૃંદાવન ગૌચર પાર્ક’ બનશે!

ગાંધીનગર: ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર વડનગર હવે ઇંટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ સાથે મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી વડનગરને ‘અનંત અનાદિ વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસશીલ છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર ક્રાંતિકારી પહેલ શરૂ કરવા જઈ રહી છે. વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કનું નિર્માણ કરવામાં આવશે, જે એક વૈશ્વિક મૉડલ બનશે. આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે.
₹15 કરોડના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્કનું થશે નિર્માણ
લગભગ ₹15 કરોડના ખર્ચે પ્રસ્તાવિત વૃંદાવન ગૌચર પાર્ક પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા અને જિલ્લા સ્તરથી લઈને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ તરફથી કવાયત શરૂ થઈ ગઈ છે. રાજ્ય સ્તરે ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC) આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી હશે, જ્યારે જમીન સંપાદન સહિતની સમગ્ર નિર્માણ પ્રક્રિયા જિલ્લા સ્તરે અને નગરપાલિકા સ્તરે કરવામાં આવશે.
ક્યાં બનશે વૃંદાવન ગૌચર પાર્ક?
રાજ્ય સરકારે વડનગરની પ્રાચીન-ઐતિહાસિક સંસ્કૃતિ અને પુરાતત્વીય અવશેષોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સાથે જ, શહેરની વર્તમાન સમસ્યાઓના નિવારણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.
વૃંદાવન ગૌચર પાર્કનો એક પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે
આ પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા હશે તેમજ પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે વેટરનરી હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ પાર્ક સીસીટીવી કૅમરા સર્વેલન્સથી સજ્જ હશે. પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તથા અતિક્રમણ અટકાવવા માટે પ્રોટેક્શન વૉલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, પાર્કમાં ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરવામાં આવશે. આ તમામ પહેલથી વૃંદાવન ગૌચર પાર્ક એક પર્યટન સ્થળ પણ બનશે.
વૃંદાવન ગૌચર પાર્ક બનશે ગાય આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ
વૃંદાવન ગૌચર પાર્કનું વિઝન માત્ર ગાયો સુધી સીમિત ન રહેતાં, તે ગાય આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ બનશે. આ પ્રોજેક્ટમાં ‘ગાયથી ગામ’ની કાયાપલટનું અભૂતપૂર્વ વિઝન છે, જે ગ્રામીણ અર્થતંત્રમાં એક નવી ક્રાંતિ લાવશે. આ માત્ર એક ગૌશાળા નહીં, પણ એક સંપૂર્ણ ગ્રામીણ પ્રયોગશાળા અને સાંસ્કૃતિક પ્રવાસન કેન્દ્ર પણ હશે, જ્યાં પરંપરા અને ટેક્નોલૉજીનો સંગમ થશે. પાર્કને ‘રૂરલ ઇનોવેશન હબ’ તરીકે વિકસિત કરવામાં આવશે. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ દ્વારા ગાયથી લઈને ગામ, ખેડૂત, પશુપાલક સુધી દરેકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની યોજના ધરાવે છે.
ડેરી વિકાસ, રોજગાર અને મહિલા સશક્તિકરણને મળશે વેગ
આ પ્રોજેક્ટ અંતર્ગત સમયસર સારવારના કારણે પશુ આરોગ્યમાં સુધારો, સારા પોષણના કારણે ગાયોની ઉત્પાદકતામાં વૃદ્ધિ, ખેડૂતોની આવકમાં વધારો, દૂધ અને ડેરી ઉત્પાદનોના વેચાણ દ્વારા પશુપાલકોને સીધો આર્થિક લાભ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટથી પશુચિકિત્સા, ડેરી ઉદ્યોગ, પરિવહન વગેરેમાં નવા કાર્યો દ્વારા રોજગારીની તકો ઊભી થશે, બાયોગેસ અને જૈવિક ખાતર દ્વારા જમીનની ફળદ્રુપતામાં વધારો થશે અને ડેરી ઉત્પાદન અને સહકારીમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને કારણે મહિલા સશક્તિકરણને પણ વેગ મળશે.
વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ
આ ગૌચર પાર્ક વડનગરના પ્રાચીન મંદિરો, વાવ, ઐતિહાસિક કિલ્લા અને વારસાને ઉજાગર કરીને એક નવા પ્રવાસન પરિપથનું નિર્માણ કરશે. પ્રવાસીઓ અહીં આવીને ગ્રામીણ જીવન, પશુપાલનની આધુનિક તકનીકો અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા ઉત્પાદનને નજીકથી જોઈ શકશે. આ સ્થળ ‘કૃષિ-પર્યટન’ અને ‘સાંસ્કૃતિક પર્યટન’નું નવું કેન્દ્ર બનશે. પાર્કમાં સ્થાનિક કારીગરો, હસ્તકલા અને પરંપરાગત ભોજન માટે બજારો અને પ્રદર્શનોનું આયોજન શક્ય બનશે, જેનો સીધો લાભ સ્થાનિક અર્થતંત્રને થશે.



