શિક્ષક દિવસે જ ગાંધીનગરમાં શિક્ષકોએ સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષક ઉમેદવારો સરકાર અને શિક્ષણ પ્રધાન સામે માગણી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું.
શિક્ષકોની શું છે માંગ

શિક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા 10,700 જેટલી બેઠકો ભરવાની માગ, અનામત નીતિનો અમલ, ખાનગીકરણ-વેપારીકરણ બંધ કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. શિક્ષક ભરતીના ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્ય હતો. આંદોલનકારીઓ પોસ્ટર સાથે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને ભાજપ સરકાર સામે નારા લગાવ્યા હતા. આંદોલનને રાજકીય સમર્થન પણ મળ્યું હતું. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.
શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશેઃ મુખ્ય પ્રધાન
ઉલ્લેખનીય છે કે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન -વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૩૭ શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ યોજ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું, જણાવ્યું હતું કે, રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.સરકાર હંમેશા નકારાત્મકતાને હકારાત્મક રીતે લઈને તેના ઉપર શિક્ષણના વિકાસ માટે કાર્ય કરી રહી છે આપણે પણ શિક્ષણમાં આ મંત્રને અપનાવવો જોઈએ.