દહેગામમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયોઃ એસબીએ કરી મોટી કાર્યવાહી

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. ACBએ દહેગામ મામલતદાર કચેરીનાં હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર પ્રવિણભાઇ પરમાર અને ટાઇપીંગ કરનારા નિતેષકુમાર રાજન નામના બે શખ્સને રંગે હાથે ઝડપી લીધા હતા. ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવા લાંચની માંગ કરી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…
જમીનમાં વેચાણ નોંધો રદ્દ કરવાનું હતું કામ
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર મેં. પ્રાન્ત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના મેં. કલેક્ટરની કોર્ટમાં આર.ટી.એસ. અપીલ દાખલ કરી હતી. જે અપીલના કાગળો ખોવાઇ ગયા હતા અને તે મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરી હતી અને તે દરમ્યાન તેમનો સંપર્ક બન્ને આરોપીઓ સાથે થયો હતો.
લાંચ લેતા બંને આરોપીને ACBએ ઝડપ્યા
ફરજ મોકુફ નાયબ મામલતદાર પ્રવિણભાઇ પરમાર અને નિતેષકુમાર રાજને એ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાની વાત કરી હતી અને તેના બદલામાં 18 હજારની લાંચની માગણી કરી હતી અને આથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને તેની ફરિયાદનાં આધારે ગાંધીનગરની સિવીલ હોસ્પિટલના ગેટ પાસે રોડ ઉપર લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ દરમ્યાન આરોપી નિતેષકુમાર રાજને ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ લઈને અને આરોપી નાયબ મામલતદાર પ્રવિણભાઇ પરમારને આપતા બન્ને આરોપીઓ રંગે હાથે પકડાઇ ગયા હતા.