વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. રાજ્યની સરકારે બુધવારે જ વિધાનસભામાં કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રશ્નોતારી કાળ દરમિયાન ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, વર્ષ-2023માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના 38 પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 21,978 લોકોને રૂ.262 કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક મહત્ત્વનું બિલ પસારઃ ‘નશાબંધી સુધારા’ વિધેયકને મંજૂરી
તા.21/06/2024 થી તા.31/07/2024 સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ-1648 લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં 74,848 લોકો હાજર રહ્યા હતા. તા.૩૧મી જુલાઇ ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે માસમાં વ્યાજખોરોની વિરૂધ્ધમાં ૫૬૫ વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી.
સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે.