બહિયલ હિંસા ફેલાવનારા સામે આકરી કાર્યવાહી: 186 ગેરકાયદે એકમો તોડી પડાયા | મુંબઈ સમાચાર
ગાંધીનગર

બહિયલ હિંસા ફેલાવનારા સામે આકરી કાર્યવાહી: 186 ગેરકાયદે એકમો તોડી પડાયા

ગાંધીનગર: જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન થયેલી હિંસક અથડામણના બનાવમાં વહીવત્ર તંત્રએ આકરી કાર્યવાહી કરી છે. નવરાત્રી દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના બનાવમાં તંત્રએ કાર્યવાહી કરતાં આજે વહેલી સવારથી જ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય માર્ગો પરના 186 જેટલા ગેરકાયદે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, નવરાત્રી દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં હિંસક અથડામણ, આગચંપી જેવા બનાવો સર્જાયા હતા. આ બનાવો પાછળનું કારણ કથિત રીતે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વિવાદિત પોસ્ટને માનવામાં આવે છે. આથી ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ લગાડી દેવાની ઘટના બની હતી. આ મામલે અનેક લોકો સામે નામજોગ તેમજ ટોળાં સામે ગુનો નોંધાયો હતો.

ત્યારે હવે આ મામલે વહીવટી તંત્રએ કાર્યવાહી કરીને પોલીસે ગુનો દાખલ કર્યાના થોડા સમય બાદ જ ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી આદરી દીધી હતી. આ કાર્યવાહી હેઠળ 186 જેટલા ગેરકાયદે એકમો પર બુલડોઝર ફરી વળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડિમોલિશન સ્થળે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો અને આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા 190 જેટલા દબાણકારોને આ મામલે નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો…હરિયાણાના નૂહમાં ફરી હિંસાઃ ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, અનેક ઘાયલ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button