ગુજરાત ST નિગમમાં 2,320 નવા કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ. ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.
મુખ્ય પ્રધાને આ નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ના નિર્માણમાં નવી ગતિ આવશે. એસ.ટી. સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે આ બેય ક્ષેત્રો રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વના છે.
આપણ વાંચો: ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો
મુખ્ય પ્રધાન આ સંદર્ભમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે. એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું હતું કે ગામડાના કે શહેરના સૌના પરિવહન માટેની જીવાદોરી સમાન એસ.ટી.માં સેવારત થઈ રહેલા કંડક્ટર કક્ષાના ઉમેદવારો માટે પણ જન સેવાની મોટી ઈશ્વરીય તક આવી છે.
આપણ વાંચો: ગુજરાત એસટીમાં હવે ડિજિટલ પેમેન્ટઃ યુપીઆઈથી ખરીદો ટિકિટ
એસ.ટી નિગમના કંડક્ટર કક્ષાના ૨૩૨૦ ઉમેદવાર અને પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગોમાં નિમણૂક પામેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા લઈને ૨૩૨૦ ઉમેદવારોને એસ. ટી. વિભાગમાં એમની કુશળતાથી નોકરી પ્રાપ્ત કરી એસ.ટી પરિવારમાં જોડાવા બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું.
ગુજરાત એસ.ટી માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન છે, એસ.ટીની બસો અંતરિયાળ ગામડાંથી લઈને નગરો સુધી તમામ નાગરિકોને પરિવહનની સુવિધા આપે છે.