ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક

ગાંધીનગર: આજે 8 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. એક સમયે આખા એશિયા ખંડમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે માત્ર સૌરાષ્ટ્રના ગીરમાં જ જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં તેના સંવર્ધનને લઈને હવે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે ગીરનું જંગલ સવાજો માટે ઘણું નાનું પડી રહ્યું છે આથી ગુજરાતમાં ટુંક સમયમાં 12 સ્થળો પર લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવશે જેથી હવે ગીર અને સૌરાષ્ટ્ર બહાર પણ સાવજોની ડણક સાંભળવા મળે તેવા સંકેતો છે.
આગામી સમયમાં ગુજરાતમાં ગીરના સવાજોની એક મોટી વસાહત હશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા-કેવડિયા જીલ્લામાં નવા સફારી પાર્કને મંજુરી આઆપી છે. જો કે હવે આગામી સમયમાં અંબાજી, પોરબંદરના બરડા, વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક અસ્તિત્વમાં આવવાની તૈયારીઓ પણ તેજ તહી ચૂકી છે.
આ પણ વાંચો : Gujaratમાં અહીં છે સિંહનું મંદિર, ગવાઈ છે સિંહ ચાલીસા ને ગ્રામવાસીઓ કરે છે આરતી
ગીરના સાવજો ઘણા વર્ષોથી ગીર પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ બૃહદ ગીર અને હવે સૌરાષ્ટ્રના પાંચાળ અને બરડા સુધી વિસ્તારી ચૂક્યા છે. આ અંગે માધ્યમોમાં તસવીરો પણ આપણે જોઈ છે. ગીરના સિંહોની વસ્તી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. 2015માં સિંહોની સંખ્યા 523 પર હતી જે 2020માં 674ને વટાવી ગઈ હતી. જો કે હવે આગામી વર્ષ 2025માં વસ્તી ગણતરી કરવામાં આવે ત્યારે આ સંખ્યા 900ને આંબી જવાની આશા સેવાય રહી છે.
હાલ ગીરના સિંહોને નિહાળવા માટે ગીરમાં સાસણ, દેવળીયા અને ધારી પાસેનું આંબરડી જ છે પરંતુ સરકાર આગામી સમયમાં રાજ્યમાં 12 થી વધુ સફારી પાર્કનું નિર્માણ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા-કેવડિયા જીલ્લામાં નવા સફારી પાર્કને મંજુરી આપ્યા બાદ આગામી સમયમાં અંબાજી, પોરબંદરના બરડા,વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક બનાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે.