ગાંધીનગર

સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો ગાંધીનગર, ગુજરાત ખાતેથી દેશવ્યાપી પ્રારંભ

સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી સાતમાં પોષણ માહની ઉજવણીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યાં.

સાતમાં રાષ્ટ્રીય પોષણ માહના શુભારંભ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ, રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા પુન: લગ્ન આર્થિક સહાય યોજના તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને પણ સહાય વિતરણ કરવામાં આવી. સાતમા પોષણ માસના અવસરે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર “એક વૃક્ષ માતાના નામે” અંતર્ગત 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાં એક વૃક્ષ વાવવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી હંમેશા મહિલાઓ અને બાળકો માટે હંમેશા પ્રેરણા આપતા રહ્યાં છે. અને બેટી બટાવો, બેટી પઢાવોના માધ્યમથી મહિલાઓના સશક્તિકરણ માટે માર્ગદર્શન મળતું રહ્યું છે. આજે તેમના નેતૃત્વમાં મહિલાઓ, બાળકો, કિશોરી સ્વસ્થ અને સુરક્ષિત તેમજ પોષણ માટે પ્રતિબદ્ધ છે.તેઓએ ઉમેર્યું કે, પોષણ એ એક એવો શબ્દ છે જે પોતાની અંદર અનેક પરિમાણો ધરાવે છે. પોષણમાં માત્ર પર્યાપ્ત અને સંતુલિત ખોરાક અને પાણીનો સમાવેશ થતો નથી, પરંતુ સંતુલિત શરીર અને મનનો પણ સમાવેશ થાય છે. આપણા ઉપનિષદોમાં લખ્યું છે, ‘आहार शद्धौ सत्वशद्धिः’ એટલે કે જ્યારે આપણો આહાર શુદ્ધ હશે, ત્યારે આપણી ચેતના પણ શુદ્ધ હશે. તેથી જ મેં કહ્યું કે પોષણ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ તે પોતાની અંદર અનેક પરિમાણોને સમાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button