ગાંધીનગર

ગુજરાતના બાળકોમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, જાણો ૧૧ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને અપાઈ સારવાર

ગાંધીનગરઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’(SH-RBSK) કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૪-૨૫ સુધીમાં અંદાજે કુલ ૧૫.૮૯ કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી.

જેમાં સુપર સ્પેશિયાલિટી તરીકે ૧.૬૭ લાખ હ્રદય સંબંધિત સર્જરી અને સારવાર, ૨૦ હજાર કરતાં વધુ કિડનીની સારવાર, ૧૧ હજાર જેટલા બાળકોની કેન્સર સારવાર, ૨૦૬ બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૩૭ લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૨૧૧ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ૩,૨૬૦ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની વિવિધ બિમારીઓ અંતર્ગત કુલ ૨.૧૮ લાખ કરતાં વધુ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

આરોગ્ય પ્રધાન પાનશેરીયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ભવિષ્યની પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ(SH-RBSK) યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો જેવા કે આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા શાળામાં ન જતાં બાળકોની નિયમિત આરોગ્ય તપાસ, સ્ક્રીનીંગ અને જરૂરી સારવાર રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં કુલ ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં બે આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ તથા ANMનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓનું બર્થ ડિફેક્ટ 4D સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે. વધુમાં, આરોગ્ય શિક્ષણ, પોષણ, સ્વચ્છતા, કાઉન્સેલિંગ વગેરે સેવાઓ સાથે એનિમિયા, પોષણની ઉણપ, દ્રષ્ટિ-શ્રવણ સમસ્યા, દાંત-ત્વચા-હૃદય સંબંધિત ખામી, શીખવાનો વિલંબ, વર્તન સમસ્યાઓ વગેરેની તપાસ અને સારવાર પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.

આરોગ્ય પ્રધાન પાનશેરીયાએ કહ્યું હતું કે, દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે, તેમજ જરૂરિયાત મુજબ PHC CHC/SDH, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિનામૂલ્યે રીફરલ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત નિદાન, રિફરલ અને સારવાર માટે રાજ્યમાં ૨૮ જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DIEC) કાર્યરત છે.

SH-RBSK કાર્યક્રમ સર્વ શિક્ષા અભિયાન અને ટેકો પોર્ટલ સાથે ઇન્ટીગ્રેટેડ છે, જેથી દરેક બાળકની આરોગ્ય માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને બીજી વખત પ્રોસેસર વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ પણ વાંચો…ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસનું મોટું જોખમ: દેશના ટોચના ત્રણ રાજ્યોમાં ગુજરાત!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button