રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણયઃ આઠ જિલ્લાના 26 તાલુકાની 127 નર્મદા વસાહતોને લાભ મળશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવા માટેના નિયમોને આખરી ઓપ આપ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી હતી.
તદઅનુસાર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમહાલ, નર્મદા અને છોટાઉદેપુર તથા મહિસાગર જિલ્લાના મળીને કુલ ૨૬ તાલુકાની ૧૨૭ જેટલી નર્મદા વસાહતોનો નજીકના સંબંધીત ગામ સાથે ભળવાનો માર્ગ મોકળો થયો હતો.
આપણ વાંચો: રસાદી કહેર: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી, તંત્રને એલર્ટ રહેવાની તાકીદ
મુખ્ય પ્રધાન સમક્ષ રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે રજૂ કરેલી આ કાર્ય પદ્ધતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આવી વસાહતોમાં ઉપલબ્ધ નાગરિક સુવિધાઓ, પીવાના પાણીના સ્ત્રોત, વસાહતને મુખ્ય માર્ગ સાથે જોડતો એપ્રોચ રોડ અને આંતરીક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ, વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધાઓ કાર્યરત રાખવા અને તેની સમયાંતરે મરામત તથા નિભાવણી અંગેની કામગીરી સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે.
આપણ વાંચો: ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ
જીવનઘોરણમાં ઘણો સુઘારો આવશે
હસ્તાંતરણની આ કાર્ય પદ્ધતિ રાજ્ય સરકાર દ્વારા નિયત થવાથી હવે આશરે આગામી બે મહિનામાં આ કામગીરી પુર્ણ કરાશે. એટલું જ નહિ, આ હસ્તાંતરણ પ્રક્રિયાથી બધા જ નિવાસી-વસાહતી કુટુંબોને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સરકારની સર્વે યોજનાઓનો નિયમોનુસાર સરળતાથી લાભ મળી શકશે અને વસાહતીઓ હવે ગ્રામ પંચાયતના સક્રિય નાગરિક બનતા તેમના જીવનઘોરણમાં ઘણો સુઘારો આવશે અને તેઓ આવશ્યક સુવિઘાઓ સરળતાથી મેળવી શકશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અન્ય જે બાબતો આવી નર્મદા વસાહતોને નજીકની ગ્રામ પંચાયત સાથે ભેળવવા માટે સુનિશ્ચિત કરી છે તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, વસાહતોના વણ ફાળવાયેલા પ્લોટની માલિકી સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીની જ રહેશે.
તમામ રેકોર્ડ એજન્સીએ પંચાયતને સોંપવાના રહેશે
નર્મદા વસાહતોને સ્પર્શતું તમામ રેકોર્ડ એજન્સીએ ગ્રામ પંચાયતને સોંપી દેવાનું રહેશે તેમ જ વસાહતના તમામ રહેવાસીઓના મતાધિકાર અને પ્રતિનિધિત્વને લગતી બધી બાબતો સરકારની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની તથા નર્મદા વસાહતોમાં આવેલા શાળા, દવાખાના, આંગણવાડી જેવી સુવિધાઓ સંબંધિત વિભાગને સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીએ હસ્તાંતરણ કરવાની રહેશે.
આપણ વાંચો: ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન; CM ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની બેઠકમાં સફળતા વર્ણવી
કર અને વેરાની વસુલાત જે તે ગ્રામ પંચાયત કરશે
વસાહતોમાં આવેલા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓના વિસ્તારને વસાહતીઓની સાર્વજનિક સુવિધાઓના વિકાસ માટે સંબંધિત ગ્રામ પંચાયત ઉપયોગમાં લઈ શકશે. નર્મદા વસાહતો હેઠળની મિલકતોની આકારણી કરીને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અને તે અન્વયેના નિયમોથી નિયત કરવામાં આવેલા કર અને વેરાની વસુલાત જે તે ગ્રામ પંચાયત કરશે.
આ ઉપરાંત હસ્તાંતરણની પ્રક્રિયા થઈ ગયા બાદ વસાહત સંબંધિત કોઈ પણ નાગરિક સુવિધા અંગેની ફરિયાદોના નિવારણ માટે જે તે ગ્રામ પંચાયત જવાબદાર રહેશે.
રાજ્ય સરકારે એવું પણ ઠરાવ્યું કે આ નિયમો સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની બાકી રહેલી નર્મદા વસાહતોને ભવિષ્યમાં નજીકની સંબંધિત ગ્રામ પંચાયતોમાં સમાવેશ કરવામાં આવે ત્યારે પણ યથાવત લાગુ કરવામાં આવશે.