ગાંધીનગર

સચિવાલયમાં ‘સખી નીર’નો ડંકો: ₹૭માં પાણીની બોટલના વેચાણ થકી કરી અધધ કમાણી

ગાંધીનગરઃ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’, મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો.

નવા સચિવાલય કેમ્પસમાં ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા સંચાલિત આ ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે, છેલ્લા ચાર મહિનામાં કુલ ૧.૨૦ લાખથી વધુ ‘સખી નીર’ પાણીની કાચની બોટલનું વેચાણ કરીને વડા પ્રધાનના સ્વદેશી-પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ બળ આપ્યું છે. આ દરમિયાન સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં કાર્યરત વિવિધ વિભાગોએ મહિલા મંડળ પાસેથી મહિલા સશક્તિકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ. ૧૧.૨૦ લાખની કિંમતની ‘સખી નીર’ પાણીની બોટલ ખરીદી છે. આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે.

પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો

સચિવાલય અને વિધાનસભા કેમ્પસ ઉપરાંત કર્મયોગી ભવનમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ૩૦૦ એમ.એલ “સખી નીર”ના બ્રાન્ડ નેમથી નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય-કર્મયોગી કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને પરિણામે પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવેલી છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ‘અંબિકા નીર’ બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આપણ વાંચો:  ગુજરાતની યશ કલગીમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું, મળ્યો ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button