દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ રસ્તાઓનું ‘રિસર્ફેસિંગ’: સુરત, વડોદરા, વલસાડ, નવસારીમાં કામગીરી તેજ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત મેઘરાજાની બેટિંગ ચાલુ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારેથી અતિ ભારે સાર્વત્રિક વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું.
જોકે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા વલસાડ, નવસારી, તાપી, સુરત સહિતના જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગ, રિસર્ફેસીંગ, મેટલવર્કની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આપણ વાંચો: વરસાદ બંધ થવાની રાહ જોશો નહીંઃ રસ્તાઓનું મરમ્મત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવાનો સીએમનો આદેશ
સુરત શહેર અને જિલ્લામાં રોડ મરમ્મતની કામગીરી
સુરતમાં માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગ નં-૨, સુરત દ્વારા કડોદરા સ્થિત વરેલી ગામ પાસેના કડોદરા-સુરત રોડ પર વરસાદમાં અસર પામેલ રોડનું પેવર બ્લોક દ્વારા પેચ વર્ક કરી રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત-કડોદરા-બારડોલી રોડ, સુરત શહેર અને કડોદરા તથા બારડોલી સાથે તેમજ એનએચ-૪૮ને જોડતો મહત્વપૂર્ણ રોડ છે.
કડોદરા વિસ્તારમાં અનેક ટેક્સટાઇલ ઔદ્યોગિક એકમો કાર્યરત છે અને અહીં GIDC વિસ્તારમાંથી રોડ પસાર થયો હોવાથી દિવસ દરમિયાન ભારે વાહનો, કાચા માલ-માલસામાનના ટ્રક તથા હજારો કામદારો અવરજવર કરતાં હોય છે. આ સૌથી વ્યસ્ત રોડનું મરમ્મતનું કામ થતા વાહનચાલકોને રાહત થઈ છે.
આપણ વાંચો: ગુજરાતમાં ખાડાવાળા રસ્તાઓ બન્યા ‘જીવલેણ’: દર મહિને 80ના મોત
વડોદરામાં ૯૦.૭૦ ટકા કામગીરી પૂર્ણ
ભારે વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે માર્ગોને થયેલા નુકસાન બાદ વડોદરા શહેર અને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં શહેર જિલ્લાના ૭૭ માર્ગો ઉપર પડેલા ૫૪૨ ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા હતા.
માર્ગ અને મકાન (ગ્રામ્ય)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લા વિસ્તાર હસ્તક કુલ ૧૦૩૨.૯૧૨ કિલોમીટરના માર્ગો છે. જેમાં મેજર પેચવર્ક માટે જરૂરી લંબાઈ ૨૧.૪૩૦ કિ.મી. રસ્તા અને માયનોર પેચવર્ક માટે જરૂરી લંબાઈ ૧૬.૮૦ કિ.મી. રસ્તાઓની પેચવર્ક કામગીરી કરવાની જરૂર છે.
તંત્ર દ્વારા પેચવર્કની કામગીરીને યુદ્ધના ધોરણે હાથે લેવાતા અત્યાર સુધીમાં ૯૦.૭0 ટકા એટલેકે ૧૯.૪૩૦ કિમી મેજર પેચવર્ક અને ૧૨.૦૯૦ કિમી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
આપણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તૂટેલા રોડ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ
નેશનલ હાઇવે 48ને યુદ્ધના ધોરણે દુરસ્ત કરાયો

વડોદરાથી ભરૂચ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર યુદ્ધના ધોરણે રસ્તાઓને દુરસ્ત કરવામાં આવ્યા હતા. એક મહિનાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદ અને વાહનોની સતત અવરજવરને કારણે ભરૂચ જિલ્લાના જાંબુઆ, પોર અને બામણગામ નજીકના સાંકડા પુલો પર તેમજ ભરૂચ ખાતે નર્મદા બ્રિજના એપ્રોચ પર આશરે ૦.૬ કિલોમીટરના છૂટાછવાયા વિસ્તારોમાં માર્ગને નુકસાન થયું હતું.
ત્યારે આ નુકસાનના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના PIU-એકતા નગર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડમાં ૫૪ રસ્તાનું મરમ્મત કાર્ય કરાયું

વરસાદના વિરામની સાથે જ વલસાડ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકાની હદમાં આવેલા ૧૨૩.૯૭ કિમી રસ્તાઓ પૈકી ચાલુ ચોમાસા દરમિયાન ૨૫.૨૫ કિમી રસ્તાઓને નુકસાન થયું હતુ.
કુલ ૨૫.૨૫ કિમી નુકસાન થયેલા રસ્તાઓમાંથી ૨૦.૨૦ કિમી (આશરે ૮૦%) પર GSB અને કોલ્ડમિક્સ પેચ વર્કનો ઉપયોગ કરીને સમારકામ કરવામાં આવ્યું હતું. બાકીના રસ્તાઓ (આશરે ૫.૦૫ કિમી) પર સમારકામ હાલમાં ચાલી રહ્યું છે.
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના ૬૨ રસ્તાની સપાટીને નુકસાન થયું હતું. જે પૈકી ૫૪ રસ્તાની મરામત કરી દેવામાં આવી છે. આ સિવાય બાકીના ૮ રસ્તાની મરામત કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
નવસારીમાં રસ્તાઓના રિપેરિંગની કામગીરી
નવસારી શહેર તથા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જીલ્લામાં લાગતા સ્ટેટ હાઈવે રસ્તાઓના રિપેરિંગની કામગીરી તથા પાણી ભરાવના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં વરસાદને કારણે જે સ્ટેટ હાઈવે રસ્તા ખરાબ થયા હતા તે રસ્તાઓને રિપેરિંગ કરવાનું કામ સત્વરે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખારેલ ટાંકલ બોળવાંક ધોળીકુવા સ્ટેટ રોડ, સાનવેલ ટાંકલ રાનકુવા રૂમલા રોડ, સુરત સચિન નવસારી રોડ અને નવસારી ગણદેવી બીલીમોરા રોડ પર ડેમેજને આઈડેન્ટિફાઈ કરીને રસ્તાઓને મરામતની કામગીરી કરવામાં આવી હતી.