ગાંધીનગર

ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં શું થયો મોટો ઘટસ્ફોટ ?

ગાંધીનગરઃ જાણીતા પાટીદાર બિલ્ડર પુત્ર ઋષભના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પકડાયેલા આરોપી મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દીધા હતા. જે મુજબ, ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર મનિષ સ્પ્લેન્ડરના આઈડીથી સટ્ટો રમતો હતો. તે ઉપરાંત કલ્પેશ ઉર્ફે તલાટી વાસ્તવમાં સાણંદમાં તલાટી તરીકે સરકારી નોકરી કરતો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

ઋષભની આત્મહત્યા કેસમાં ચાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સુઘડ ખાતે રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન હેલી નામની યુવતી સાથે ગત 12 જાન્યુઆરીએ થયા હતા. ઋષભ25 જાન્યુઆરીએ સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તા. 26મીએ તેની કાર રાયપુર નર્મદા કેનાલ નજીકથી બિનવારસી મળી હતી. તેમાંથી બે પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. તે પછી તા. 28મીએ ઋષભનો મૃતદેહ કડી કેનાલમાંથી મળ્યો હતો.

જોકે ઋષભે લખેલી સ્યુસાઈડ નોટમાં કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ (એ/802, નેસ્ટ રેસીડન્સી, રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પ્લેન્ડર સોમાભાઈ પટેલ, ક્રિશાલ અરવિંદભાઈ ઉર્ફ વિક્રમભાઈ પટેલ અને મહિપાલસિંહ રાઠોડના ત્રાસના લીધે અંતિમ પગલું ભરી પત્ની – હેલીને સંબોધીને મને તારા જ માણસોએ -મરવા માટે મજબૂર કર્યો છે એમને સજા અપાવજે એવો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ કઈ બાબતે માનસિક ટોર્ચર થવું પડયું એ બાબતે સ્યુસાઈડ નોટમાં લખ્યું નહીં -હોવાથી ઋષભની પત્ની સહિતના મિત્રો શરૂઆતથી જ પોલીસ રડારમાં છે.

બીજી તરફ રિમાન્ડમાં મહિપાલે કહ્યું કે ઋષભ પણ સટ્ટો રમતો હતો. મહિપાલના પાર્લર ઉપર છેલ્લા -દોઢેક વર્ષથી મનીષ સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી, ક્રિશાલ પટેલ અને ઋષભની બેઠક હતી. મનીષ ઉર્ફે સ્પ્લેન્ડરના માતા તારાબેન 10 વર્ષ અગાઉ ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા. હારજીતના પૈસાની લેતીદેતી માટે મહિપાલ મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવતો હતો.

અઢી વર્ષ પહેલાં ઋષભની સગાઈ કુબેરનગર ખાતે રહેતી હેલી નામની યુવતી સાથે થઈ હતી. કલ્પેશ ઉર્ફે તલાટી પણ કુબેરનગરમાં આવેલી હેલીની ભાર્ગવ સોસાયટીમાં રહેતો હતો. એ રીતે હેલી આધેડ વયના કલ્પેશ ઉર્ફે તલાટીને મામા તરીકે સંબોધીને બોલાવે છે. આજે ઇન્ફોસિટી પીઆઈએ વોન્ટેડ આરોપીઓના ઘરે રેડ કરી ત્યારે કલ્પેશ ઉર્ફે તલાટીના ઘરે માત્ર તેની પેરેલિસિસગ્રસ્ત માતા જ મળી આવી હતી. તેની પત્ની પણ ગાયબ થઈ ચૂકી છે. જ્યારે મનીષ સ્પ્લેન્ડરના પરિવારજનો સટ્ટાના વ્યવહારો વિશે કશું જાણતા નહીં હોવાનું રટણ કરી રહ્યા છે. આ કેસમાં ગમે ત્યારે મોટો ઘટસ્ફોટ થઈ શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button