રાજકોટનું છાપરા ફૂડ પાર્ક બનશે સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ હબ, ગુજરાતની કૃષિ વેલ્યૂ ચેઇન થશે મજબૂત

ગાંધીનગર: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થશે.
ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20 કૃષિ ક્લસ્ટર્સ સાથે રાજ્યમાં કૃષિ ઉત્પાદનની વિશાળ ક્ષમતા છે. જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રે પહેલેથી જ મજબૂત હાજરી છે. રાજકોટ તો ખાદ્ય પ્રોસેસિંગ અને આનુષંગિક ઉદ્યોગો માટે જાણીતું કેન્દ્ર છે, જ્યાં બાલાજી વેફર્સ જે રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરી ગુજરાતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંદર્ભમાં છાપરાની નવી ઔદ્યોગિક વસાહત આ સમગ્ર ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે.
પ્રોજેક્ટની ઝાંખી અને સ્થાનના ફાયદા
છાપરામાં 35 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવનાર ફૂડ પાર્કને સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેની ભૂગોળીય સ્થિતિ ઉદ્યોગક્ષેત્ર માટે અનેક સુવિધાઓ સાથે આશીર્વાદરૂપ છે. સ્ટેટ હાઇવેની નજીક હોવાને કારણે આંતરિક પરિવહન સરળ બને છે, જ્યારે રાજકોટ રેલવે સ્ટેશન અને હિરાજર એરપોર્ટની નજીકતા ઉદ્યોગોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવે છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ના નિકટ સંચાલનને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. કંડલા જેવા આંતરરાષ્ટ્રીય બંદરથી 200 કિલોમીટરના અંતરે સ્થિત હોવાથી નિકાસ આધારિત ઉદ્યોગો માટે પણ આ પાર્ક એક વ્યૂહાત્મક સ્થાન બની રહેવાની શક્યતા છે.
મુખ્ય માળખાગત સુવિધાઓ
GIDC દ્વારા પાર્કમાં આધુનિક ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં આવશે, જેમાં સુવ્યવસ્થિત આંતરિક માર્ગવ્યવસ્થા, પીવાલાયક પાણી, સતત વીજ પુરવઠો અને ગેસ પાઇપલાઇન જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, એડમિન કોમ્પ્લેક્સ, કોમન ફેસિલિટી સેન્ટર (CFC), સ્ટ્રીટ લાઇટિંગ જેવી વ્યવસ્થાઓ પાર્કની દરેક જરૂરિયાતને પહોંચી વળશે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ગુણવત્તા નિયંત્રણ હંમેશા મુખ્ય પરિબળ હોય છે, એ વાતને અનુરૂપ અહીં આધુનિક લેબોરેટરી, રિસર્ચ અને ટેસ્ટિંગ સુવિધાઓ સ્થાપિત થવાની છે. સાથે જ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને અન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓ ઉત્પાદન, સંભાળ અને પુરવઠા શૃંખલાને વધુ કાર્યક્ષમ બનાવશે.
રોકાણની સંભાવના
ગુજરાત સરકારે રોકાણ આકર્ષવા, ટકાઉ કૃષિ-ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા પર આધારિત સમુદાયોની આવક વધારવા માટે ખાદ્ય પ્રક્રિયા અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. મુડેથા (બનાસકાંઠા) અને છાપરા (રાજકોટ) ખાતેના પ્રોજેક્ટ્સ આ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે અને સામૂહિક રીતે ₹ 500 કરોડનું રોકાણ આકર્ષવાનો હેતુ છે. આ રોકાણથી આશરે 30,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાનો અંદાજ છે. 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ સમગ્ર ફૂડ પ્રોસેસિંગ મૂલ્ય શૃંખલાને વધુ સારી બનાવવા, રોકાણો આકર્ષવા અને કચ્છ અને રાજકોટ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિકાસ માટે સહયોગી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
આપણ વાંચો: રાજ્યમાં 13 લાખથી વધુ લોકોના કેમ આયુષ્માન કાર્ડ બંધ થઈ ગયા? જાણીને ચોંકી જશો



