ગાંધીનગર

વરસાદ જ નહીં, હવે પૂરની પણ મળશે આગાહી: IIT ગાંધીનગરના ARC સેન્ટરની કમાલ

ગાંધીનગર: ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગાંધીનગર દ્વારા ડેટા-આધારિત આબોહવા જોખમ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ‘AI રેઝિલિયન્સ એન્ડ કમાન્ડ’ (ARC) સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. IIT ગાંધીનગર રિસર્ચ પાર્ક ખાતે કાર્યરત આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી સ્થિતિસ્થાપકતા માટે ડેટા-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવાનો છે. આ સેન્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી પૂરની આગાહી, ગતિશીલતા પર તેની અસરો અને ઓપરેશનલ નિર્ણયોને એક જ ફ્રેમવર્ક હેઠળ જોડીને ‘રેઈન ટુ રેઝિલિયન્સ’ના વિઝનને સાકાર કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં શહેરીકરણ એક મોટી અને પડકારજનક સમસ્યા બનીને ઊભું છે, ત્યારે શહેરીકરણની સાથે પૂરનું જોખમ પણ રહે છે. આ સ્થિતિમાં અનેક લોકોના જીવ તેમજ કરોડોના માલનું નુકસાન વેઠવું પડે છે. મોટાભાગે વરસાદ કયા પડશે, ક્યારે પડશે અને કેટલો પડશે તે અંગેની આગાહી કરવામાં આવે છે અને તેના કારણે સરકારને આપત્તિ વ્યવસ્થાપન કરવામાં સરળતા રહે છે પરંતુ આવી સ્થિતિ પૂરના સસમયે વિકટ બની જાય છે.

હાલ સુધી પૂર અંગે કોઈ આગાહીની વ્યવસ્થા ન હોવાથી પૂરની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી એક પડકાર બની જતી હતી. જો પૂર અંગે આગાહી શક્ય બને તો રાહત અને બચાવની કામગીરીનું આગોતરું આયોજન કરીને જાનમાલને બચાવી શકાય છે. ત્યારે IIT ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેન્ટર આ તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

IIT ગાંધીનગરના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ અને પૂર્વ સચિવ ડો. વિવેક કાપડિયાએ જણાવ્યું હતું કે, આપણે હવે એડ-હોક અભિગમને બદલે ડેટા-આધારિત અને માળખાગત નિર્ણય પ્રક્રિયા તરફ વળવાની જરૂર છે. આ AI-સંચાલિત સેન્ટર ભારતીય શહેરોને સુરક્ષિત બનાવવામાં, લોકોની આજીવિકા બચાવવામાં અને ટકાઉ શહેરી વિકાસ સાધવામાં સીધું યોગદાન આપશે.

આપણ વાંચો:  ગુજરાતમાં મહા મહિને જ ઠંડી ગાયબ! દળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ઉંચકાયો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button