
ગાંધીનગર: આજે 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ હતી. રાજ્યપાલના અભિભાષણથી શરૂ થયા બાદ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે સત્રની શરૂઆતના દિવસે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે અલગ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
જુઓ વિડીયો
હથકડી અને સાંકળ લગાવીને વિરોધ પ્રદર્શન
ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયાના વિરોધમાં પ્રતિકાત્મક રીતે હથકડી અને સાંકળ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર મળીને ‘ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’ના નારા લગાવ્યા હતાં.
કાળા રંગના પોસ્ટર પહેર્યા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ પહેરેલા કાળા રંગના પોસ્ટરમાં જુદા જુદા નારા લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેઓએ અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ભારતીયોના પ્રતીકાત્મક રીતે પોતાના હાથે હથકડી બાંધી હતી.
આ પણ વાંચો : ગાંધીનગરમાં જાન લીલા તોરણે પાછી ફરી, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકાની કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી.
78 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયોને લઈને ત્રીજું વિમાન શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું. ત્રીજા તબક્કામાં આવેલા ભારતીયોમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.