ખુદના જીવના જોખમે! ગાંધીનગરના પોલીસકર્મીએ કેનાલમાં કૂદીને આપઘાત કરવા આવેલા પ્રેમી યુગલને બચાવ્યા

ગાંધીનગર: ગુજરાત પોલીસે એક પ્રસંશનિય કામગીરી કરીને આપઘાત કરવા આવેલા એક પ્રેમી યુગલને બચાવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ સોમવારે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને તાત્કાલિક બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઈન્દિરાબ્રિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં એ.એસ.આઈ. વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્ય પ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ દોઢ વાગ્યાના અરસામાં, તેમણે કેનાલમાં એક યુવક અને યુવતીને ઝંપલાવતા જોયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સહિયારા પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જીવ બચાવ્યા બાદ, બંને યુવક-યુવતીને ગાંધીનગર જિલ્લાના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. એ.એસ.આઈ. વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી પ્રધાન હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમની આ કામગીરીએ પોલીસ દળની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.