
ગાંધીનગર/નવી દિલ્હીઃ આગામી 20મી સપ્ટેમ્બરના રોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે અને શહેરના જવાહર મેદાનમાં જનતાને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમ જ રોડ શો પણ યોજવાનાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભાવનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાવનગરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. ભાવનગર શહેર તેમ જ ગોહિલવાડ પંથકને રૂ. 100 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ મળશે. વડા પ્રધાનના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને શહેરના જવાહર મેદાન કે જ્યાં પીએમની સભા થવાની છે ત્યાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉપરાંત, પીએમ મોદીના રોડ શોને શહેરના તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમ જ બેરિકેડિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વડા પ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની દોઢ કલાકની મુલાકાત દરમિયાન સાગરમાલા 2.0ના 75000 કરોડની શીપ બિલ્ડિંગ ફાયનાન્સિયલ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડના 25,000 કરોડ, શીપ બિલ્ડિંગ ડેવલોપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટણા, વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડની જાહેરાત કરવાના છે. તે ઉપરાંત 150 મિલિયન ટન પ્રતિ વર્ષની ક્ષમતાવાળા નવા મેજર પોર્ટ બહુદા પોર્ટની ઘોષણા, 35000 એકર સોલ્ટની જમીન પર મેરીટાઇમ સબંધિત ઔદ્યોગિકીકારણ માટેના વિકાસ કામોની જાહેરાત કરવાના છે. આ અગાઉ પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગર અને મહેસાણાની મુલાકાતે આવીને 5,477 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ/કાર્યોની ભેટ આપી હતી.
આપણ વાંચો: ‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…