
ગાંધીનગર : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતા હવે અમદાવાદથી ગાંધીનગરના અક્ષરધામ સુધી સીધા જઈ શકાશે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો ફેઝ-2 હેઠળ કુલ 28.2 કિમીનો રૂટ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 22 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹5,384 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરળતા
આ લોકાર્પણ બાદ અમદાવાદ મેટ્રોનું કુલ નેટવર્ક વધીને 68 કિમી થઈ જશે. નવા શરૂ થનારા 7 સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10A, સચિવાલયનો સમાવેશ થાય છે. આ નવા રૂટના લોકાર્પણ બાદ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે જ અક્ષરધામ અને દાંડી કુટીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા મેટ્રો મારફતે ગાંધીનગર પહોંચી શકશે. આ ઉપરાંત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે વોક-વેથી જોડવામાં આવશે, જેથી ટ્રેન મારફતે આવતા મુસાફરો સરળતાથી મેટ્રોનો લાભ લઈ શકશે.

મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન
મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન ગાંધીનગરના મહત્વના લેન્ડમાર્ક સમાન છે. અહીં ઉતર્યાની થોડી જ મિનિટોમાં મુસાફરો મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, દાંડી કુટીર મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સંકુલ સુધી પહોંચી શકશે. આંતરરાષ્ટ્રીય સમિટ અને મોટા કાર્યક્રમો માટે આવતા લોકો માટે આ સ્ટેશન પ્રવેશદ્વાર સમાન બની રહેશે.

વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે
સેક્ટર-24 સ્ટેશન વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે. અહીં VPMP પોલીટેકનિક, LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ITI (સેક્ટર-15) અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) જેવી મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ સ્ટેશન શરૂ થવાથી વિદ્યાર્થીઓની દૈનિક મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ સ્ટેશન સેક્ટર 16, 22 અને 23 ના રહેણાંક વિસ્તારો માટે મહત્વનું છે. અહીં સ્વામિનારાયણ ગુરુકુળ નજીક હોવાથી વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. જે પરિવારો અત્યાર સુધી બસ કે ટુ-વ્હીલર પર નિર્ભર હતા, તેઓ હવે મેટ્રો દ્વારા શહેરના અન્ય વિસ્તારો સાથે સરળતાથી જોડાઈ શકશે



