Top Newsગાંધીનગર

PM મોદી અને જર્મન ચાન્સેલરની મોટી જાહેરાત: ગ્રીન હાઈડ્રોજન અને અર્બન મોબિલિટીમાં વધારશે સહયોગ

ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ, સેમીકન્ડક્ટર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વના કરારો: વેપાર 50 અબજ ડોલરને પાર

નવી દિલ્હી/ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેરે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચે રાજકીય, આર્થિક અને ટેકનિકલ સહયોગને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. ઉપરાંત, અર્બન મોબિલિટી, ગ્રીન હાઈડ્રોજન અને સેમી કન્ડકટરમાં સાથે મળીને કામ કરશે તેમ જણાવ્યું હતું.

બંને દેશોએ રક્ષા ઈન્ડસ્ટ્રિયલ સહયોગને વધુ મજબૂત કરવા માટે સંયુક્ત રીતે સહમતિ વ્યક્ત કરી હતી. જેનો હેત રક્ષા ઉત્પાદનો અને ટેકનિકલ સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત આર્થિક સહયોગ વધારવા એક સત્તાવાર મંચની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી, જે દ્વિપક્ષીય રોકાણ અને આર્થિક ગતિવિધિમાં મદદ કરશે.

આ ઉપરાંત, સેમીકન્ડકટર ઈન્ડસ્ટ્રીમાં ભાગીદારીને લઈ પણ બંને દેશોએ સમજૂતી કરી હતી. જેનાથી આ ક્ષત્રમાં ટેકનોલોજીના ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ અનેક નવી યોજનાઓ અંતર્ગત ઈન્ડો-જર્મન રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બંને દેશોએ સ્કિલ પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. જેનાથી હેલ્થકેર પ્રોફેશનલ્સની નૈતિક અને કાયમી ભરતી સુનિશ્ચિત થશે. રિન્યુએબલ એનર્જીમાં સ્કીલ ડેવલપમન્ટને પ્રોત્સાહન આપવા માટે હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય કૌશલ પ્રશિક્ષણ સંસ્થામાં કેન્દ્ર સ્થાપવાની પણ જાહેરાત થઈ હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું, સ્વામી વિવેકાનંદે ભારત અને જર્મની વચ્ચે સેતુ બનાવ્યો હતો. આજે જર્મન ચાન્સેલરની પ્રથમ એશિયા યાત્રા છે, જે ભારત સાથે ઊંડા અને મજબૂત સંબંધ દર્શાવે છે. ભારત અને જર્મનીનો દ્વિપક્ષીય વેપાર 50 અબજ ડોલરથી પણ વધી ગયો છે. બે હજારથી વધુ જર્મન કંપનીએ રોકાણ માટે ભારતનો ભરોસો વ્યક્ત કર્યો છે, જે અંતર્ગત ભારત-જર્મની એક્સલેસ સેન્ટરની સ્થાપનાનો નિર્ણય લેવાયો છે, જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે.

આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. આજે થયેલા એમઓયુ આપણા સહયોગને વધુ મજબૂત બનાવશે તથા ગતિ મળશે. રક્ષા ક્ષેત્રમાં પણ બંને દેશોનો સહયોગ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને તેનાથી વેપારના નવા રસ્તા ખુલશે.

આ પહેલા ગાંધીનગરમાં ભારત-જર્મની સીઈઓ ફોરમમાં જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે જણાવ્યું હતું કે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિદ્રશ્ય સરકાર અને વ્યવસાયો માટે તકો અને પડકારો બંને લાવે છે. જો આપણે આ વિશ્વમાં સ્પર્ધાત્મક રહેવું હોય અને લાંબા ગાળાની વૃદ્ધિ જાળવી રાખવી હોય, તો આપણે આપણી સ્થિતિસ્થાપકતા મજબૂત કરવી પડશે. આનો અર્થ એ છે કે, વિશ્વસનીય ભાગીદારો સાથે જોડાણ કરવું, નિખાલસતા અને ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપવું અને એકતરફી નિર્ભરતા તથા તેના હથિયાર તરીકે થતા ઉપયોગ સામે આપણા આર્થિક આધારનું રક્ષણ કરવું. આ માટે, જર્મની ભારત-EU (યુરોપિયન યુનિયન) વચ્ચેના મહત્વાકાંક્ષી અને આર્થિક રીતે અર્થપૂર્ણ મુક્ત વ્યાપાર કરાર (FTA) ને સમર્થન આપે છે… આપણે આ તકને હાથમાંથી જવા દઈ શકીએ નહીં.

પીએમ મોદીએ કહ્યું, ભારત અને જર્મનીના લોકો વચ્ચે પણ ખાસ સંબંધ છે. રવીન્દ્રનાથ ટાગોરની રચનાએ જર્મનીના બૌદ્ધિક જગતને પ્રભાવિત કરી છે. સ્વામી વિવેકાનંદની વિચારધારાએ સમગ્ર યુરોપને પ્રેરિત કર્યું અને મેડમ કામાએ જર્મનીમાં પ્રથમ વખત ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ ફરકાવીને આપણી સ્વતંત્રતાની આકાંક્ષાને વૈશ્વિક માન્યતા આપી હતી. ભારત અને જર્મની આતંકવાદ સામે એકસાથે મળીને લડાઈ ચાલુ રાખશે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો…સાબરમતી આશ્રમમાં જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં શું લખ્યું ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button