
ગાંધીનગર: કમલમ ખાતે જગદીશ પંચાલે પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા. ભૂપેન્દ્ર યાદવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અર્પણ કરીને નવા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સી. આર. પાટીલે કહ્યું હતું કે, લગભગ સવા પાંચ વર્ષ પહેલા મને જ્યારે આ જવાબદારી મળી ત્યારે મને શંકા હતી કે આ જવાબદારી હું કેમ પાર પાડીશ. આ દરમિયાન જેટલા સંઘર્ષો આવ્યા તેને પાર પાડવામાં ભાજપના કાર્યકરોનો સાથ હતો. વિધાનસભાની 182 બેઠકોમાંથી 156 બેઠક અને 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ગુજરાતમાં ભાજપે ઘણી બેઠકો ગુમાવી હતી તેમા અમુક વિસ્તારના કાર્યકરોની ગફલત અને માર્ગદર્શનમાં ભૂલ હતી, જેના કારણે હાર મળી હતી. ત્યારબાદ ભાજપે હારેલી બધી બેઠકો પરત મેળવી લીધી. આવતી વખતે 182 બેઠકો જીતવાની છે.
કોઈપણ ચૂંટણી મેન્ડેટથી લડાવી જોઈએ
દિલ્હીથી એક પાર્ટી આવી, તેમણે સરકાર બનાવવાની જાહેરાત કરી. ગુજરાતના મતદાતાઓએ તેમની ડિપોઝિટ જપ્ત કરી લીધી.રાજકોય વિશ્લેષકોનું કહેવું છે કે ત્રીજી પાર્ટીના કારણે ભાજપને જીત મળી પણ તેનાથી નાસીપાસ થવાની જરૂર નથી, 135 બેઠકો પર ભાજપને ખૂબ જ સારા મત મળ્યા છે.
સહકારી ક્ષેત્રોમાં પણ ભાજપના આગેવનો જીત્યા છે. કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કહ્યું હતું કે, “મેન્ડેટ પ્રથા આવી અને તેનાથી ઘણાને ન ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતાં તેને ચોક્કસ ન ગમ્યું. તો MLA કે MPમાં પણ મેન્ડેટ કેમ? જે જીતીને આવે તે આપનો ઉમેદવાર. ભાજપ અને તેનું સંગઠન શિસ્ત સાથે સંકળાયેલું છે. ભાજપ કોઈપણ ચૂંટણી લડે તે પણ મેન્ડેટથી લડાવી જોઈએ અને પાર્ટી ઈચ્છે તે જ લડે.
હારની જવબદારી સ્વીકારી, માફી માંગી
તેમણે આગળ કહ્યું હતું કે, “હું આવ્યો ત્યારે પેટા ચુંટણીમાં મે 8 બેઠકો પર જીતવાની આશા વ્યક્ત કરી હતી, જે જીતીને તમે પણ સાબિત કરી દીધું. જીતવાની ટેવ તે ભાજપના કાર્યકરોને પડી છે તેના માટે એક વાત કહીશ કે આપણો જન્મ જીતવા માટે થયો છે, જેને જીવનમંત્ર માનવો જોઈએ.
આપણને બે ચૂંટણીમાં ઓછા મત મળ્યા, મને અફસોસ છે કે 156 સુધી પહોંચ્યા, લોકસભાની ચૂંટણીમાં 1 બેઠક ગુમાવી જેની જવાબદારી હું સ્વીકારું છું. તેમણે જગદીશ પંચાલને કહ્યું હતું કે આગામી સમયમાં હું કાર્યકર તરીકે તમારી સાથે છું, ભાજપના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને અટકાવવાની કોઇની તાકાત નથી.” આગળ તેમણે કહ્યું હતું કે મારાથી જો કોઈને પણ નુકસાન થયું હોય તો તે બદલ માફી માંગુ છું, મારો કોઇ અંગત સ્વાર્થ નહોતો પરંતુ પાર્ટીના હિત માટે મારા નિર્ણયથી કોઈને નુકસાન થયું હોય તો માફી માંગુ છું.
આ પણ વાંચો…ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયોઃ આવતીકાલે નામ જાહેર થઈ શકે